Site icon Revoi.in

સુરતના ખજોદ ગામમાં દીપડાના ભયથી ફફડતા ગ્રામજનો, અંતે ફોરેસ્ટ વિભાગે મુક્યું પાંજરું

Social Share

સુરતઃ  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાંનો વસવાટ વધી રહ્યો છે. દીપડાંઓ શિકારની શોધમાં ગાંમડામાં ઘૂસી જઈને પશુઓનું મારણ કરતા હોય છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડુતો પોતાની વાડી-ખેતર પર જતા પણ ડરી રહ્યા છે. જિલ્લાના ખજોદ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો શિકારની શોધમાં આટાંફેરા મારી રહ્યો છે. દીપડાંને જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને આ અંગે વન વિભાગને જાણ કરતા ગામની બહાર દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે.

સુરત નજીક જ ખજોદ ગામના કૂઈ ફળિયામાં રાતના સમયે દીપડો આંટાફેરા મારી રહ્યો છે. જેને લઈને સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. હાલ એક પાંજરું મૂકવામાં આવ્યું છે.

ખજોદ ગામના ફળિયામાં ત્રણ-ચાર દિવસ પહેલા દીપડાના પંજા ખેતરમાં જોવા મળ્યા હતા. જેને લઈને ખેડૂતોમાં ખૂબ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ એ પંજા દીપડાના છે કે કેમ તેને લઈને થોડી શંકા હતી. પરંતુ દીપડો ફળિયામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં દીપડો હોવાનું રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે દીપડો જ આ વિસ્તારમાં ફરી રહ્યો છે.

ખજોદમાં પહેલી વખત દીપડો દેખાતા આખા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે દીપડો ગામમાં દેખાયો હોવાની વાત કરતા લોકો એકત્રિત થઈ ગયા હતા. ગામના અગ્રણીઓ દ્વારા તાત્કાલિક વન અધિકારીને જાણ કરતા વન અધિકારી દ્વારા ગામમાં વિઝિટ લેવામાં આવી હતી. ત્યારબાદ જે ખેતરમાં દીપડાના પંજા દેખાયા હતા તે ખેતર પાસે પાંજરું મૂકવામાં આવ્યું છે. પણ હજુ દીપડો પકડાયો નથી.