Site icon Revoi.in

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં બેરોકટોક થતું ખનન સામે લેકાવાડાના ગ્રામજનોનો વિરોધ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેર નજીક સાબરમતી નદીમાં બેરોકટોક ખનન ચાલી રહ્યું છે.જેમાં લેકાવાડા સાબરમતી નદીના પટમાં ગેરકાયદેસર રેત ખનનથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આશ્વર્યની બાબત તો એ છે કે, ખુદ લીઝ ધારકે જ અંદાજીત 85 હજાર મેટ્રિક ટન જેટલું ખોદકામ કરી નાખ્યાં પછી ખાણ ખનિજ વિભાગ દ્વારા નજીવો દંડ આપીને સંતોષ માની લેવામાં આવતાં ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ વ્યાપી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર સાદી રેત ચોરીને ભૂ માફિયાઓ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોવા છતાં ખાણ ખનિજ તંત્ર દ્વારા નક્કર અને કાયમી ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. લેકાવાડા ગામ નજીક સાબરમતી નદીમાં રેત માફિયા દ્વારા અનહદ બહાર ખોદકામ કરીને હજારો મેટ્રિક ટન ઉલેચી લઈ મસમોટા ખાડા કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

 

લેકાવાડના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવતો નથી. થોડા વખત અગાઉ જ ખાણ ખનીજ તંત્રમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જમીનની માપણી તેમજ પંચનામું પણ કરવામાં આવ્યું હતું. અંદાજીત 85 હજાર મેટ્રિક ટન રેતી ઉલેચી દેવામાં આવી છતાં ખોદકામની અલગ અલગ માપણી કરીને ભૂ માફિયાને નજીવો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે..

લેકાવાડના ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે અવારનવાર ફરીયાદો કરી ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને ચુંટણીનો બહિષ્કાર કરવા સુધીની ફરિયાદો કરવા છતાં કાયમી ધોરણે ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃતિઓ ઉપર રોક લાગતી નથી. બેફામ બનેલા ભૂ માફિયાઓ દ્વારા નદીમાં ગેરકાયદેસર રસ્તો કાઢવા બાબતે પણ છાશવારે નાની મોટી માથાકૂટ થતી રહેતી હોય છે. ગાંધીનગરના ધરમપુરથી બોરીજ ગામ સુધીના વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ખાણ ખનીજ દ્વારા 29 જેટલા લીઝ ધારકોને નિયત માત્રામાં સાદી રેત ખનન કરવાની પરવાનગી અપાઈ છે.,પણ લેકાવાડા સાબરમતી નદીમાં વાડ જ ચીભડાં ગળે તેવી સ્થિતિનું નિર્માણ થતાં કાયમી ધોરણે ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવામાં આવે તેવી સૌ ગ્રામજનોની માંગણી છે.