સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકામાં બેરોકટોક ખનીજ ચોરીની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સરલા ગામથી દુધઈના રસ્તા ઉપર સફેદમાટીની ખાણો ધમધમી રહી છે. સમયાંતરે ખાણમાં જિલેટીન વિસ્ફોટ કરાતા હોય છે. જેના કારણે વાડી-ખેતરો પરના પાણીના બોરને નુકશાન થઈ રહ્યું છે. વિસ્ફોટથી જમીન ભૂકંપ આવ્યો હોય એવી રીતે ધ્રૂજતી હોય છે. આ અંગે ગ્રામજનો મામલતદારને રજુઆતો કરી હતી. પણ સ્થાનિક તંત્ર ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોવાનું કહીને કોઈ પગલાં લેતા નથી.
મુળી તાલુકાના સરલા ગામના ખેડૂતોના કહેવા મુજબ ગામની સીમમાં સફેદમાટીની ખાણો છેલ્લા એક વર્ષથી ધમધમી રહી છે. અને બેરોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવી રહ્યુ છે, સમયાંતરે જિલેટીન વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે ધરતી ધણધણી ઉઠે છે.અને બોર મોટરને મોટું નુકસાન થઈ રહ્યુ છે. વિસ્ફોટક ધડાકાને કારણે ઘણા ખેડુતોની બોરની મોટર પણ બહાર નિકળતી નથી. આ બાબતે આ ખેડૂતો દ્વારા મુળીના તાલુકા મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગમાં કરવામાં રજુઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. હવે ખેડુતોએ ક્યાં ફરિયાદ કરવી ? તે મોટો પ્રશ્ન છે.
સરલાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ સફેદમાટીની ખાણમાં ખનીજ વિસ્ફોટના કારણે નર્મદા વિભાગ પાણી પુરવઠાની જે ટાંકી સંપ આવેલો છે, તેને પણ મોટું નુકસાન થયું છે. અંહીથી ચાર ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે. સરકારી મિલકતને પણ મોટું નુકસાન આ ખનીજ માફીયાઓ કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.આ ખનીજ ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ખેતીની જમીન બંજર બની જશે. સરલાથી દુધઈ રોડ ઉપર નર્મદાના સંપ પાસે ખાતેદાર ખેડૂતની જમીનમાં આ ખાણો ધમધમી રહી છે. આ અંગે મુળી મામલતદાર એવું કહે છે કે, આ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને કરવાની હોય છે, ચોક્કસ તપાસ કરીને ખાણ ખનીજ વિભાગને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.