પીલોલ ગામે વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીમાં ડૂબી રહેલા યુવાનનું ગ્રામજનોએ કર્યું રેસ્ક્યુ
અમદાવાદઃ વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઉતરવાનું નામ લેતા નથી. ત્યારે સાવલી તાલુકાના પીલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને યુવાનને બચાવતા જોવા મળે છે.
આ બનાવની વિગતો એવી છે. કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું પીલોલ ગામ વિશ્વામિત્ર નદીના પાણીથી ઘેરાઈ ગયું છે. પીલોલ ગામની ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા હતા. પીલોલ ગામમાં અચાનક આવી ગયેલા વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીના કારણે ગામનો એક યુવાન પાણીમાં ફસાઈ ગયો હતો અને પાણીથી બચવા માટે ગામના પ્રવેશદ્વાર ઉપર ચડી ગયો હતો. યુવાનને ફસાયેલો જોઈને ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને યુવાન પણ પોતાને બચાવવા માટે મદદની ગુહર લગાવી રહ્યો હતો. જેથી પીલોલ ગામના હરીશભાઈ હીરાભાઈ વણકર, હિતેશભાઈ હસમુખભાઈ વણકર, હરીશભાઈ મનુભાઈ વણકર અને ભૂપેન્દ્રભાઈ મણીલાલ પરમાર એક પળનો પણ વિચાર કર્યા વગર પાણીમાં કૂદી ગયા હતા અને ગામ લોકોએ ગામના યુવાનને બચાવવા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ રસ્સાની મદદથી યુવાનનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. ગામના લોકોએ તંત્રની રાહ જોયા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને યુવાનને બચાવવા સ્થાનિક યુવકોએ જીવનું જોખમ ખેડ્યું હતું અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ગામના યુવકને પાણીમાંથી બચાવ્યો હતો.
દરમિયાન કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં અનેક લોકો ફસાયા હોવાના તંત્રને કોલ મળ્યા હતા અને તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ઘણી જગ્યાએ લોકોએ પોતે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈને પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને મદદ કરીને તેમને બહાર કાઢ્યા હતા અને માનવતાનું ઊંદાહરણ પૂરું પાડ્યું હતું.