વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે આ સીરિયલના શૂટિંગ માટે 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હોવાના કારણે સોસાયટીના અને આસપાસના વિસ્તારમાં રહેતા અને લોકોએ વિરોધ કર્યો હતો અને સીરિયલના ચાલી રહેલા શુટિંગ સ્થળ પર પહોંચી લોકોએ હોબાળો કરી શુટિંગ અટકાવ્યું હતું.
વલસાડ તાલુકાના ચણવઇ ગામમાં મંગલમ મીડોસ નામની એક આકર્ષક સોસાયટી આવેલી છે. જો કે મુંબઈમાં કોરોનાનું પ્રમાણ વધતા ત્યાં સીરિયલના શૂટિંગ બંધ થઈ ગયા છે. આથી હવે એ સીરિયલના શૂટિંગ મુંબઈ નજીક ગુજરાતની કેટલીક જગ્યાએ ચાલી રહ્યા છે. ત્યારે વલસાડ નજીક મંગલમ મિડોસ નામની આ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી 2 સીરિયલના શૂટિંગ ચાલી રહ્યા હતા. આ શૂટિંગમાં સ્પોટ બોય અને અન્ય ક્રુ મેમ્બર અને કલાકારો મળી 100 વધુ લોકો કામ કરી રહ્યા હતા. આથી શૂટિંગના સ્થળે ભીડ પણ જામતી હતી. તેથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા જોતા સ્થાનિક લોકોએ શૂટિંગનો વિરોધ કર્યો હતો.
સોસાયટીમાં રહેતા અન્ય લોકોની કોઈપણ જાતની સહમતી સંમતિ કે પરવાનગી લીધા વિના જ અહીંયા સીરિયલનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો શૂટિંગના સ્થળ પર એકઠા થયા હતા અને ચાલતા શૂટિંગને અટકાવ્યું હતું. સીરીયલોના શુટીંગ માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ વલસાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આમ વલસાડ નજીક ચનવાઈ ગામમાં ચાલી રહેલા ટીવી સીરિયલના શૂટિંગની લઈ હોબાળો થયો હતો. અને લોકોએ રોષે ભરાયેલા લોકોએ સીરિયલોના શુટિંગને અટકાવતા મામલો ગરમાયો હતો. સ્થાનિક લોકો એ તંત્ર અને પોલીસને આ મામલે જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.