ભાવનગરઃ ગોહિલવાડ પંથકના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે હજારો કાળિયાર કેમેરામાં કેદ થઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળ્યા હતા. કાળીયારના કુદકા મારતા ઝુંડને જોઈને ગ્રામજનોએ પોતાના મોબાઈફોનના કેમેરામાં વિડિયો શુટિંગ કર્યા હતા.
કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચે જણાવ્યું હતું કે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને વેળાવદરથી બે કિલોમીટર દૂર અભયારણ્યની વચ્ચેનો આ વિસ્તાર છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે. હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500થી 3000 જેટલા કાળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં 5 વર્ષમાં કાળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 45 કિમી દૂર છે.
સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ હંમેશાંથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે, ઘાસના મેદાનો પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામા આવી હતી. એ સમયે ઉદ્યાનનો આરક્ષિત વિસ્તાર 17.88 ચોરસ કિમીનો હતો. ત્યાર બાદ સમયાંતરે એમાં વધારો થતાં હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે.
એક અંદાજ મુજબ, હાલ અહીં 3000 કરતાં વધુ કાળિયાર વસવાટ કરી રહ્યા છે. ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. આ ઉદ્યાનની પ્રાણીસૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલાં, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ પણ સાથે વસવાટ કરે છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક પણ છે.
(PHOTO-FILE)