અમદાવાદ : રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહયો છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારો માટે સરકારની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં 2જી ઓકટોબરથી એક નવી સેવાનો ઉમેરો કરવામાં આવશે. રાજ્યની દરેક ગ્રામ્ય પંચાયત કચેરીએથી આરટીઓને લગતી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે. જેથી લોકોને જિલ્લાની આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવા નહીં પડે.
સૂત્રોના જણાવ્યા મુજબ આરટીઓની કામગીરી માટે લોકોને લાંબુ અંતર કાપીને છેક જિલ્લાકક્ષાએ આવવું પડે છે. ત્યારે આવા સંજાગોમાં રાજ્યના લોકોને ઘરબેઠા નજીકમાં જ આરટીઓની સેવા મળી રહે એ માટે ઇ ગ્રામ સેન્ટર ખાતે ડીજીટાઇઝ સેવા સેતુ શરુ કરવામાં આવશે. રાજયના વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા દરેક જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને 2જી ઓકટોબરથી આ સેવા ગ્રામ પંચાયતના ઇ ગ્રામ સેન્ટરેથી શરુ કરવા જણાવવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત કચેરીએથી ડુપ્લીકેટ આરસી બુક-ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, શિખાઉ લાયસન્સ અરજી કરાવવી, એપોઇમેન્ટ મેળવવી, હાઇપોથીકેશન રદ કરવું, ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુઅલ, આરસી બુક સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવી, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સ રીપ્લેસમેન્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ બેકલોગ તથા વાહન આરસીની બેકલોગની કામગીરી સહિત 10 કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે નક્કી થયેલી ફીનું ચૂકવણું અરજદારે ઇ ગ્રામ સેન્ટર ખાતે કરવાનું રહેશે. બાકીની કામગીરી માટે અરજદારે ઇ ગ્રામ સેવા સેન્ટર ખાતેથી જરૂરી આધાર-પુરાવા અને ફી સાથે ઓનલાઇન અરજી કરી નિયત તારીખ મેળવી લેવાની રહેશે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી ગ્રામ પંચાયત કચેરીએ આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવાઓ શરૂ થયે લોકોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે હવે ગામડાંમાં પણ વાહનો વધતા જાય છે, અને લોકોને આરટીઓના કામ માટે જિલ્લા સુધી આવવું પડતું હતું હવે ઘેરબેઠા જ ઓનલાઈન સેવા મળી શકશે. તમામ ગ્રામ પંચાયતોમાં સેવા સેતુના માધ્યમથી આરટીઓની લગતી સેવા ઉપલ્બ્ધ કરાવાશે.