- વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખુલ્યું
- વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ
- વિનેશ ફોગાટે જીત્યો બ્રોન્ઝ મેડલ
મુંબઈ:વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે.દેશની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.વિનેશે બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ રિપેચાજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, જ્યાં તેણે યુરોપિયન ચેમ્પિયન જોના માલમગ્રેનને હરાવી આ વખતની ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખોલ્યું હતું.જોકે, વિનેશ તેના અગાઉના પ્રદર્શનમાં સુધારો કરી શકી ન હતી, પરંતુ ફરી એક વખત તે પોતાની બેગમાં મેડલ લઈને પરત ફરી હતી.
સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ગ્રીકો-રોમનમાં નિરાશા હાથ લાગી હતી, જ્યારે મહિલા ઈવેન્ટની પણ શરૂઆત સારી રહી ન હતી.આવી સ્થિતિમાં દેશની ટોચની રેસલર વિનેશ પાસેથી ઘણી આશાઓ હતી.ગયા મહિને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ વિનેશ વધુ આત્મવિશ્વાસમાં હતી.
જોકે, મંગળવારે વિનેશને 53 કિલોગ્રામ વર્ગના પ્રથમ રાઉન્ડની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.આવી સ્થિતિમાં મેડલની આશા ઠગારી નીવડી હતી, પરંતુ નસીબનો થોડો સાથ મળ્યો કારણ કે વિનેશને હરાવનાર રેસલર ફાઇનલમાં પહોંચ્યો હતો અને વિનેશને રેપેચાજ રાઉન્ડમાં તક આપી હતી.
વિનેશે બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ રેપેચાજની પ્રથમ મેચમાં એશિયન ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કઝાકિસ્તાનની અશિમોવાને 4-0થી હરાવ્યો હતો.પછીના રાઉન્ડમાં તેણીનો મુકાબલો અઝરબૈજાનના કુસ્તીબાજ સાથે થવાનો હતો, પરંતુ તે ઈજાના કારણે ઉતરી શકી ન હતી અને ભારતીય સ્ટારને બ્રોન્ઝ મેડલ મેચમાં સ્થાન મળ્યું હતું.