નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક પૂર્વ ધારાસભ્ય અને તેમના બે સુરક્ષાકર્મીઓની પણ અટકાયત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈએ આ વાતની પુષ્ટિ કરી નથી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે ઈમ્ફાલ ઈસ્ટના ન્યૂ ચેકોનમાં એક ખાસ સમુદાયના દુકાનદારોને દુકાન બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી અજાણ્યા બદમાશોએ નવા ચેકોનમાં ચાર મકાનોને આગ ચાંપી દીધી હતી. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, એક સશસ્ત્ર બદમાશોએ પહેલા ન્યુ ચેકોન વિસ્તારમાં કેટલાક દુકાન માલિકોને તેમની સંસ્થાઓ બંધ કરવાની ધમકી આપી હતી. જે બાદ આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસની સાથે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હેંગલેપના પૂર્વ ધારાસભ્ય એસી ટિએન હોકીપને તેમના બે અંગરક્ષકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેની ધરપકડની કોઈએ પુષ્ટિ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મણિપુરમાં હિંસાની ઘટના બની હતી, જેથી આર્મી તૈનાત કરવામાં આવી હતી અને કરફ્યુ નાખીને ઈન્ટરનેટ સેવા બંધ કરી હતી. જો કે, પરિસ્થિતિ કાબુમાં આવતા કરફ્યુ ઉઠાવ્યો હતો. દરમિયાન આજે ફરી એકવાર હિંસા ફાડી નીકળી હતી. જેથી હિંસાગ્રસ્ત વિસ્તારમાં કરફ્યુ નાખવાની કામગીરી શરૂ કરી હતી.