જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે.
સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી છે. ગાડીઓમાં લાગેલી આગને બુઝાવાની કામગીરી પણ કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે દેખાવકારો મુસ્લિમ બહુમતી ધરાવતા ગુજ્જરનગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને દેખાવ કરવા લાગ્યા હતા. જેને કાણે હિંસા ભડકી ઉઠી હતી.
હુમલા વિરુદ્ધ હતું જમ્મું બંધનું એલાન
પુલવામામાં સેના પર થયેલા આતંકવાદી હુમલા વિરુદ્ધ જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ જમ્મુ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શન કરનારા લોકો ગુજ્જરનગર પહોંચ્યા હતા અને ત્યાં હિંસા ભડકી હતી.
શાંતિ બનાવી રાખવાની અપીલ
જમ્મુના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એમ. કે. સિંહાએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યુ છે કે અફવાઓ પર ધ્યાન આપો નહીં. શાંતિ અને સદભાવના જાળવી રાખો. દેશવિરોધી લોકોના ઝાંસામાં આવો નહીં તેઓ દેશનો માહોલ બગાડવા ચાહે છે. આપણે તેમના નાપાક ઈરાદાઓને નેસ્તોનાબૂદ કરીશું.
ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને શાંતિ જાળવવા માટે કરી અપીલ
ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે સેના પર હુમલા કરનારા કાશ્મીરી અને મુસ્લિમો ન હતા. લોકો શાંતિ જાળવી રાખે. આતંકવાદને કોઈપણ ધર્મ અને સમુદાયની સાથે જોડી શકાય નહીં. તેઓ અપીલ કરે છે કે લોકો શાંતિથી કામ લે. તેમને એકસાથે આતંકવાદની વિરુદ્ધ ઉભા થવું પડશે.
મહત્વપૂર્ણ છે કે કાશ્મીરમાં થયેલા હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. 2500 જવાનોનો કાફલો પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વિસ્ફોટકોથી લદાયેલી કાર જવાનોથી ભરેલી બસમાં ઘૂસી ગઈ હતી અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.