બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બન્યા હિંસકઃ મંદિર ઉપર કર્યો હુમલો, એક શ્રદ્ધાળુનું મોત
દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. તાજેતરમાં જ દુર્ગા માતાજીના પંડાલ અને હિન્દુઓ ઉપર હુમલાની ઘટના બની હતી. જેમાં ત્રણેક વ્યક્તિના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરમાં હિંસક ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે. આમ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાંથી ફાટી નીકળેલી હિંસામાં આ પાંચમી હત્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે આ ઘટના અંગે કહ્યું હતું કે, સમન્વિત અને યોજનાપૂર્વક આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર આ વાતથી ચિંતિત છે કે, બાંગ્લાદેશ સતત વઘતી ઘટનાઓને અટકાવવા અને તેની ઉપર નિયંત્રણ મેળવવામાં અસમર્થ છે. જ્યારે બાંગ્લાદેશના મોટાભાગના જિલ્લાઓમાં અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરમાં થયેલા હુમલાના બનાવને પગલે હિન્દુઓમાં નારાજગી ફેલાઈ છે તેમજ અનેક સ્થળો ઉપર ઘટનાના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યો છે.