Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંસા ભડકીઃ અત્યાર સુધી 101થી વધારે વ્યક્તિઓના મોત

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વિરોધીઓએ પ્રધાનમંત્રી શેખ હસીનાના મંત્રણા માટેના આમંત્રણને પણ નકારી કાઢ્યું છે.

બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 101 લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના પોલીસકર્મીઓ છે, જેના પર પ્રદર્શનકારીઓ ગુસ્સે છે. વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી.

પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે 6 વાગ્યાથી દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. તેમજ સરકારી એજન્સીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હિંસક વિરોધ વચ્ચે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની સામાન્ય રજા જાહેર કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા જ પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ કરી રહ્યા હતા. આ સિસ્ટમ 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં લડેલા નિવૃત્ત સૈનિકોના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત પ્રદાન કરે છે. ભારતે બાંગ્લાદેશમાં તેના નાગરિકોને “અત્યંત સાવધાની” રાખવા અને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી છે.

આસિસ્ટન્ટ હાઈ કમિશન, સિલ્હેતે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આ ઓફિસ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. કટોકટીના કિસ્સામાં, +88-01313076402 નો સંપર્ક કરો. દરમિયાન, પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું છે કે, વિરોધના નામે બાંગ્લાદેશમાં તોડફોડ કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે અને લોકોને આવા લોકો સાથે કડક રીતે વ્યવહાર કરવા જણાવ્યું છે.

હસીનાએ ગણ ભવનમાં સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, રેપિડ એક્શન બટાલિયન (આરએબી), બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (બીજીબી) અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.