ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જણાવવામાં આવ્યું છે કે મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ લાંગોલ વિસ્તારમાં એક મકાનને પણ આગ લગાવી દીધી હતી. રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને આગચંપીના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આર્મી, આસામ રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને રાજ્ય પોલીસે સંયુક્ત રીતે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ફ્લેગ માર્ચ કાઢી.
ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા કેન્દ્રીય પ્રધાન આરકે રંજન સિંહના નિવાસસ્થાને આગ લગાવ્યાના એક દિવસ પછી મણિપુરમાં ભાજપ કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ એ શારદા દેવીના નિવાસસ્થાન પર હુમલો કર્યો. જો કે, સુરક્ષા દળોની તત્પરતાના કારણે ભીડ વિખેરાઈ ગઈ હતી. સિંગજામઈ અને તોગજુ, ઈમ્ફાલ ઈસ્ટ ખાતેના બીજેપી કાર્યાલયોને પણ ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે, ઇમ્ફાલ પશ્ચિમમાં ઇરિંગબમ પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી હથિયારો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સુરક્ષાદળોએ આતંકીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. અન્ય એક ઘટનામાં, લગભગ હજારો લોકોના ટોળાએ એડવાન્સ હોસ્પિટલ નજીક આવેલા પેલેસ કમ્પાઉન્ડમાં આગ લગાવવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો.
રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડીને ભીડને વિખેરી નાખી હતી. આ દરમિયાન બે લોકો ઘાયલ થયા હતા. અને મોડી રાત્રે મણિપુર યુનિવર્સિટી નજીક થોંગજુ વિસ્તારમાં ટોળાએ સ્થાનિક ભાજપના ધારાસભ્યના નિવાસસ્થાને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ ટોળાને વિખેરી નાખ્યું હતું.