ગાંધીનગરઃ શહેરનાં સેકટર – 20 માં વર્ષોથી ઊભી થયેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી પર પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર કચેરીના દબાણ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરીને પોણા બસ્સો જેટલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. દબાણ તંત્રની કડક કાર્યવાહી થી ઝુંપડાવાસી – પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાતા એક સમયે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
પાટનગર ગાંધીનગરમાં વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે જ દબાણો પણ થયેલા છે. ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા શહેરના મ્યુનિ.કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણો પર તવાઈ બોલાવી દેવામાં આવી હતી. જો કે શહેરમાં એજ દબાણો પૂર્વવત સ્થિતિમાં આવી ગયા ચૂક્યા છે. ઘણી જગ્યાએ વહાલા દવલા નીતિ અપનાવવા આવી હોવાના પણ આક્ષેપો થતાં મ્યુનિ.ની દબાણ શાખાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. બુધવારે પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર દબાણ તંત્ર ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સેકટર – 20 માં સંયુક્ત દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સેકટર – 20 ની ઝૂંપડપટ્ટીમાં ત્રાટકી હતી. અને જેસીબી વડે ગેરકાયદેસર ઝુંપડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અચાનક દબાણ તંત્રની કડક કાર્યવાહી શરૂ થતાં અહીં રહેતા ઝુંપડાવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો.
પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર કચેરીના દબાણ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરીને પોણા બસ્સો જેટલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તંત્રની ટીમે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતાં મહિલાઓ અને પોલીસ વચ્ચે તું તું મેં મેંનાં દૃશ્યો પણ સર્જાયા હતા. એવામાં એક યુવાન જેસીબી આગળ સૂઇ ગયો હતો. જેનાં કારણે મામલો ગરમાયો હતો. જો કે પોલીસ ટીમ દ્વારા પણ કડકાઈથી કામગીરી કરવામાં આવતાં દબાણ તંત્રએ પોણા બસ્સોથી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી દીધા હતા.