Site icon Revoi.in

અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો VIP રોડ 60 મીટર પહોળો કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. તેના લીધે રોડ પણ પહોળા કરવામાં આવતા હોય છે. શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ વીઆઈપી રોડ ગણાય છે. ત્યારે એરપોર્ટ સર્કલથી લઈ ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીનો રોડ હવે આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા એરપોર્ટ રોડને ડેવલપ કરવા માટેની પ્રાથમિક કામગીરીના ભાગરૂપે હયાત રોડને પહોળો કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. હાલમાં બંને તરફ રોડ ક્યાંક 45 મીટર તો ક્યાંક 60 મીટર જેટલો પહોળો છે, જેથી એક જ રોડલાઈન કરીને બંને તરફ 60 મીટરનો રોડ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આજે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે. રોડલાઈન મંજૂર થતાંની સાથે જ આશરે એરપોર્ટ રોડ પર આવેલી 300 જેટલી દુકાન- મકાનોને અસર થશે.

અમદાવાદના એરપોર્ટથી વિદેશી મહાનુભાવો તેમજ દેશના રાજકિય નેતાઓની આવન-જાવન રહેતી હોય છે. એરપોર્ટથી ગાંધીનગર સુધીનો રોડ વીઆઈપી હોવાથી  આ રોડને પહોળો કરીને તેને ડેવલપ કરવાનું કામ હાથ ધરાશે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન્સ સિટી ગણવામાં આવે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના રોડને ડેવલપમેન્ટ કરવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, જેના ભાગરૂપે એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીનો રોડ આઇકોનિક રોડ બનાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ સુધીના હયાત રોડને હવે 60 મીટરનો રોડ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અખબારોમાં જાહેર નોટિસ આપીને વાંધાસૂચન માગવામાં આવ્યાં હતાં. સરદારનગર વિસ્તારમાં શિવ શોપિંગ સેન્ટર, સરદાર નગર ટાઉનશિપ સહિતના કેટલાક વિસ્તારોના રહેવાસીઓ દ્વારા કુલ 290થી વધુ અરજીઓ કરવામાં આવી હતી.

અરજદારોએ વાંધા અરજીઓમાં એવી રજુઆતો કરી છે. કે, રોડલાઈન અમલ કરવાથી ત્યાંના રહેવાસીઓનાં બાળકોના શિક્ષણ પર અસર કરશે તેમજ ગ્લોબલ વોર્મિંગ પર પણ મોટી અસર પડશે. એરપોર્ટ રોડ ઉપર રોડ લાઈન અમલ થવાના કારણે તલાવડી સર્કલની આસપાસ 70 જેટલાં મકાનો કપાતમાં આવતાં હોવાથી તેઓ બેરોજગાર થઈ જશે. રોડ ઉપર અવરજવર બિલકુલ બંધ થઈ જશે, જેથી વાંધા-સૂચનોને ધ્યાનમાં લઈને રોડને ન કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. એએમસી દ્વારા નાગરિકોના વાંધાસૂચનને લઈ એવો જવાબ અપાયો છે. કે, રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનમાં પણ રોડ 60 મીટરનો દર્શાવવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને ગાંધીનગરને જોડતો આ મુખ્ય રોડ છે, જેથી રોડને પહોળો કરવો જરૂરી છે. નાગરિકોનાં વાંધાસૂચનને ધ્યાનમાં રાખીને જ્યાં પણ નાગરિકોનાં મકાનો અને દુકાનોને અસર થાય છે એ અસર ઓછી થાય, એને ધ્યાનમાં રાખીને અંશત: એલાઈમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકોનાં મકાનો અને દુકાનો ઓછી કપાતમાં જાય એ રીતે એલાઈમેન્ટમાં ફેરફાર કરીને નવી રોડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. આજે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ રોડલાઈનના અમલીકરણ માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. જો સ્ટેન્ડિંગ કમિટીમાં એને મંજૂરી આપવામાં આવશે તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી દિવસોમાં જ્યાં પણ રોડ અમલીકરણમાં કપાત હશે તે લોકોને નોટિસ પાઠવીને સમય આપવામાં આવશે અને ત્યાર બાદ રોડ પહોળો કરવા અંગેની કામગીરી કરાશે.