વિરમગામ-મહેસાણા ટ્રેન ફરી શરૂ કરાતા કટોસણરોડ સ્ટેશને ટ્રેનનું સ્વાગત કરાયું
અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને ભારે અસર થઈ હતી. જેમાં કેટલીક ટ્રેનો બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. અને જનજીવન રાબેતા મુજબનું બનતા જાહેર પરિવહન સેવા પણ પૂર્વવત બનતી જાય છે. વિરમગામ-મહેસાણા વચ્ચેની ટ્રેન છેલ્લા 6 મહિનાથી બંધ કરવામાં આવી હતી. તે ફરીવાર શરૂ કરાતા વિરમગામ, કટોસણ રોડ, વેપારી મંડળ દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું હતું.
કોરોનાના કારણે છેલ્લા છ માસથી બંધ વિરમગામ, મહેસાણા ટ્રેન ફરી શરૂ કરાતાં કટોસણરોડ પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વેપારી મંડળ દ્વારા ટ્રેનના એન્જિનને ફૂલહાર પહેરાવી, ગાર્ડ અને ડ્રાઈવરને મોં મીઠું કરાવ્યું હતું. આ ટ્રેન શરૂ થતા નોકરિયાત વર્ગ, વેપારી, વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા મુસાફરોને લાભ મળશે. આ ટ્રેન સવારે વિરમગામથી ઉપડી ભંકોડા, દેત્રોજ, કટોસણરોડ, જોટાણા થઈ મહેસાણા જશે. ટ્રેન વિરમગામ સવારે 7 કલાકે કલાકે ઉપડશે અને મહેસાણાથી વિરમગામ જવા સવારે 09:20 કલાકે રવાના થઈ વિરમગામ 10:50 વાગે પહોંચશે. જ્યારે વિરમગામથી મહેસાણા જવા સાંજના 05:25 કલાકે ઉપડશે. જે વિરમગામ રાત્રે 9 કલાકે પહોંચેશે. સાંજે ઉપડતી પેસેન્જર ટ્રેન જકશી, જોટાણા અને લીંચ આવતા અને જતા બંને સમયે સ્ટોપેજ કરશે નહીં.કટોસણરોડ જંકશન રેલવે સ્ટેશન ઉપર રિઝર્વેશન ક્વોટા ફાળવવામાં આવે અને સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો દિલ્હી – રાજકોટ, ઓખા-દહેરાદૂન, ઓખા – જયપુરનું બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માગણી છે. (ફાઈલ ફોટો)