નવી દિલ્હીઃ હાલ વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે છે અને હાલ ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કોહલી લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યાં છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને નેશનલ ટીમમાં સ્થાન મળે તેવી શકયતા છે.
ઈજાના કારણે રવિન્દ્ર જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાનો હિસ્સો બન્યો ન હતો. જ્યારે બુમરાહને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ આરામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા રોહિત શર્માને બીસીસીઆઈ ટેસ્ટનો કેપ્ટન બનાવે તેવી શકયતા છે. જાડેજા હાલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તે 24મી ફેબ્રુઆરીએ લખનૌ પહોંચે તેવી શકયતા છે. જ્યાં તેને ક્વોરન્ટાઈન રહેવુ પડશે. જાડેજા ટી-20 સિરીઝમાં નહીં પરંતુ ટેસ્ટ સીરિઝમાં રમે તેવી શકયતા છે. જો કે, બુમરાહ ટી-20 સીરિઝમાં જ ટીમમાં પરત ફરી શકે છે.
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે યોજાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શ્રીલંકા ટીમના પ્રવાસની શરૂઆત 24મી ફેબ્રુઆરીથી થશે. પ્રથમ ટી-20 મેચ લખૌનમાં જ રમાશે. બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ 4 માર્ચથી થશે. પૂર્વ કપ્તાન વિરાટ કોહલી મોહાલીમાં 100મી ટેસ્ટ મેચ રમશે.