IPLમાં 18 મહિના બાદ વિરાટ કોહલી બન્યો કેપ્ટન,પંજાબ સામે RCBની કમાન સંભાળી
મુંબઈ : વિરાટ કોહલીને ફરી એકવાર IPLમાં કપ્તાન બનવાની તક મળી છે. ટૂર્નામેન્ટની 16મી સિઝનની 27મી મેચમાં કોહલી પંજાબ કિંગ્સ સામે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફિલ્ડિંગ માટે યોગ્ય નથી. તે બેટ્સમેન તરીકે જ મેદાન પર ઉતરશે. ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર ઉતરશે
કોહલીએ 18 મહિના બાદ IPLમાં કેપ્ટનશિપ કરી છે. છેલ્લી વખત તે 11 ઓક્ટોબર 2021ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટન તરીકે ઉતર્યો હતો. IPLની એલિમિનેટર મેચમાં RCBની ટીમનો પરાજય થયો હતો. જે બાદ તેણે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.
કોહલી જાન્યુઆરી 2022 બાદ પ્રથમ વખત કોઈ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. છેલ્લી વખત તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. તેણે 2021ના અંતમાં T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે જ સમયે, ડિસેમ્બર 2021 માં, તેને ODI સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન પણ આ મેચ માટે ફિટ નથી. તેના સ્થાને સેમ કરન કેપ્ટનશીપ કરી રહ્યો છે. લિયામ લિવિંગસ્ટોન પંજાબની ટીમમાં પરત ફર્યો છે. તે આ સિઝનમાં પ્રથમ વખત રમી રહ્યો છે