Site icon Revoi.in

વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએઃ કપિલ દેવ

Social Share

નવી દિલ્હી: વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીની સાંજે સમગ્ર રમત જગતને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી રહ્યો છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની રહ્યો છે અને તેથી તેના નિર્ણયને કારણે વિશ્વાના ક્રિકેટરો ચોંકી ઉઠ્યાં હતા. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટ કોહલીને ઈગો છોડી દેવા સૂચના આપી હતી.

વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ તેના નિર્ણય પર નિવેદન આપી રહ્યા છે. આ દરમિયાન, 1983 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું કે કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે વિરાટે પોતાનો ઈગો છોડવો પડશે. જ્યારે હું કેપ્ટન હતો ત્યારે સુનીલ ગાવસ્કર પણ મારી નીચે રમતા હતા. હું પોતે શ્રીકાંત અને મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં રમ્યો છું. મને કોઈ અહંકાર ન હોતો. વિરાટે પણ હવે પોતાનો અહંકાર છોડવો પડશે. તેણે હવે યુવા ક્રિકેટરની નીચે રમવું પડશે. વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએ.

કપિલ દેવે વધુમાં જણાવ્યું હતું કે, હું વિરાટના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણયનું સ્વાગત કરું છું. ટી20ની કેપ્ટનશીપ છોડ્યા બાદથી તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક સારો નિર્ણય હતો કારણ કે તે ઘણા દબાણમાં હોય તેવું લાગતું હતું. મને ખાતરી છે કે તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ઘણું વિચાર્યું હશે. આપણે તેને ટેકો આપવો જોઈએ.