નવી દિલ્હીઃ દેશમાં ભારત અને ઈન્ડિયા વચ્ચે રાજકીય વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામ-સામે આવી ગયા છે. હવે આ વિવાદમાં ભારતીય ટીમના પૂર્વ અધિકારી વિરેન્દ્ર સહેવાગે પણ ઝંપલાવ્યું છે, તેમજ તેમણે આગામી દિવસોમાં ભારતમાં યોજાનારા આઈસીસી વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જર્સી ઉપર ઈન્ડિયાને બદલે ભારત લખવા માટે વિનંતી કરી છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવશે.
સેહવાગે એક્સ(ટ્વિટર) પર લખ્યું, ‘ હું હંમેશાથી એવું માનું છું કે નામ એવું હોવું જોઈએ જેના પર ગર્વ થાય. અમે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને અમારા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. હું BCCI અને જય શાહથી આગ્રહ કરું છું કે તે સુનિશ્ચિત કર કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હોય.’ સહવાગે ઉદાહરણ આપતા આગળ કહ્યું, ‘1996 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ હોલેન્ડ તરીકે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવ્યું હતું. વર્ષ 2003 જયારે અમે તેમની સામે રમ્યા ત્યારે તેઓ નેધરલેન્ડની ટીમ તરીકે અમારી સામે રમ્યા હતા અને હજુ પણ તેઓ તે જ નામ સાથે રમે છે. બર્માએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ નામને બદલીને મ્યાનમાર કરી દીધું છે અને અન્ય ઘણા લોકો તેમના મૂળ નામ પર પાછા ફર્યા છે.