IIT- ગાંધીનગરની એકેડમિક બિલ્ડિંગનું PM મોદીના હસ્તે જમ્મુથી વર્ચ્યુઅલી લોકાર્પણ
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ, અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-1(B)નું લોકાર્પણ કર્યું હતું જેમાં અદ્યતન લેબોરેટરી, લાઇબ્રેરી, મેકર્સ સ્પેસ તેમજ વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો હતો. આ ભવનમાં 1200 વિદ્યાર્થીઓને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પડાશે. 36,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નવીન હોસ્ટેલ તેમજ 35,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નવા 183 સ્ટાફ ક્વાર્ટરનું નિર્માણ કરાશે.
આ અવસરે IIT- ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના શિક્ષણ-કૌશલ્યના સ્થાનકો રાષ્ટ્રને સમર્પિત કરીને વિકસિત ભારતભણી વિરાટ ઉડાન આદરી છે. પોતાની પ્રતિભા, પરિશ્રમ અને કર્મયોગથી ભારતનું ગૌરવ અને ગરિમા વધારી છે. ભારતના નાગરિકો, ખાસ કરીને દેશની યુવા પેઢી ગર્વ અનુભવી રહી છે કે, એવા કાલખંડમાં આપણે છીએ જ્યાં વિકાસ તેજ ગતિથી થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રે સમૃદ્ધ ભારતમાં અનેક સંભાવનાઓ હોવા છતાં અન્ય રાષ્ટ્રોની સરખામણીએ પ્રગતિમાં વિલંબ થયો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે. દેશના 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. ભારત 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા સાથે મહાશક્તિ બનવા જઈ રહ્યું છે. તેમણે આ દેશના યુવાનોને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન અને સહયોગ આપવા આહ્વાન કર્યું હતું.
IIT-ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. રજત મૂનાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પ્રકૃતિ સાથે સમન્વય સાધીને IIT-ગાંધીનગરને સસ્ટેનેઇબલ કેમ્પસ બનાવવાની પ્રેરણા આપી હતી. આજે IIT-ગાંધીનગરનું કેમ્પસ સસ્ટેનેઇબલ ઉપરાંત પોલ્યુશન ફ્રી અને કાર્બન પોઝિટિવ કેમ્પસ બન્યું છે, અને અન્ય સંસ્થાનો માટે પ્રેરણારૂપ બન્યું છે.
મહત્વનું છે કે આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે જમ્મૂથી ભારતભરમાં વર્ચ્યુઅલી 25 સેન્ટ્રલ સ્કૂલ્સ, 19 જવાહર નવોદય વિદ્યાલય, 12 સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, 10 IITs, 5 IIITs, 3 IIMs, 2 IISER, 4 NITs, 1 AICTE અને 2 સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું.