અમદાવાદ સહિત પાંચ મહાનગરોની અદાલતોમાં તા. 17મી એપ્રિલ સુધી વર્ચ્યુઅલી કામગીરી થશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારેને વીકએન્ડમાં ત્રણેક દિવસના કર્ફ્યુનું સૂચન કર્યું હતું. દરમિયાન હાઇકોર્ટ દ્વારા રાજ્યની પાંચ મહાનગરોમાંની અદાલતોને ફિઝિકલ સુનાવણી પર રોક લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. આજથી દસ દિવસ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરની અદાલતો ફક્ત વર્ચ્યુઅલ શરૂ રાખવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. 17 એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં અદાલતો વર્ચ્યુઅલી કાનૂની કામગીરી કરવામાં આવશે. 10 દિવસ માટે મહાનગરોની અદાલતોમાં ફિઝિકલ કામગીરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર જાહેર કરતા કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરની અદાલતોને તા. 17 એપ્રિલ સુધી ફિઝિકલ કામગીરી ઉપર સંપૂર્ણપણે રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અદાલતો ફક્ત વર્ચ્યુલી જ કાર્યરત રહેશે. તેમજ જરૂરિયાત મુજબના કર્મચારીઓને જ અદાલત ખાતે બોલાવવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ જ્યુડિશિયલ ઓફિસર કોઈ પણ પ્રકારનો ઓર્ડર પણ આપી શકશે નહીં. અદાલત પરિસરમાં આવેલી કોઇપણ કેન્ટીન ખાતે પાર્સલ સર્વિસ સિવાય અન્ય કોઈ સવલતો આપી શકાશે નહીં. રાજ્યની અન્ય અદાલતો ફિઝિકલ કામગીરી શરુ રાખી શકશે પરંતુ તે પણ સમય મર્યાદાને આધીન રહેશે. હાઈકોર્ટના પ્રથમ સેશનમાં બે કલાક તેમજ બીજા સેશનમાં પણ બે કલાક સુધી ફિઝિકલ કામગીરી શરૂ રાખવા માટે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજને આદેશ આપવામાં આવ્યો છે.