- નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ,
- આજે અતિભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા તાકીદ
વડોદરાઃ શહેરમાં ગત 24 જુલાઈએ 14 ઈંચ વરસાદ પડ્યા બાદ ફરીવાર મેધરાજાએ મંડાણ કર્યા છે. શહેરમાં ગઈકાલે દોઢ ઈંચ વરસાદ પડ્યા બાદ આજે બપોર સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી કાલાઘોડા ખાતે 19.16 ફૂટે પહોંચતાં તંત્ર દ્વારા સિદ્ધાર્થ બંગ્લોઝ સહિત નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. જ્યારે એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. ભારે વરસાદને કારણે આજવાના 62 દરવાજા ખોલી છોડાયેલા પાણીથી વિશ્વામિત્રીની સપાટી 19 ફૂટને પાર પહોંચી હતી.
હવામાન વિભાગે વડોદરામાં ગઈકાલે તા. 25મીએ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. અને રવિવારે બપોરે 4 થી રાતના 8 વાગ્યા સુધીમાં શહેરમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જ્યારે વાઘોડિયા રોડ, સુશેન એસઆરપી મેદાન પાસે, મહેસાણાનગર, ગોત્રી પોલીસ મથક સામે, ગોત્રી ભાથુજી મંદિર સામે, યાકુતપુરા, જેપી પોલીસ મથક સામે સહિત 8 સ્થળે વૃક્ષ પડ્યાં હતાં. બીજી તરફ સાંજે 4 વાગે વાદળોને કારણે અંધારું થતાં વાહનોની લાઈટ ચાલુ રાખવી પડી હતી. આજે હવામાવ વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. અને આજે સોમવાર સવારથી બપોર સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્ય પર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી પાંચ દિવસ હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. વડોદરામાં ભારે વરસાદને કારણે આજવા સરોવરની સપાટી 211.70 પર પહોંચતાં જ 62 દરવાજા ખુલ્લા મુકાયા હતા. જેને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 14 ફૂટે પહોંચી હતી. રવિવારે સવારથી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે નદીની સપાટી 18 ફૂટથી ઉપર વહી રહી છે અને મોડી રાતે સપાટીમાં વધારો થયો હતો. આજવા સરોવરના હાલમાં 62 દરવાજા ખુલ્લા છે, અને ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. હવે વિશ્વામિત્રીની સપાટી વધીને 20 ફૂટથી ઉપર થાય તો સરોવરના 62 દરવાજા બંધ કરવામાં આવશે, જેથી શહેરમાં પૂરની સ્થિતિ ન ઉદ્દભવે. બીજી તરફ નિચાણવાળા વિસ્તારમાં રવિવાર સાંજથી પાલિકા અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રહીશોને સલામત સ્થળે ખસી જવા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ હતુ.
મ્યુ. કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, રેડ એલર્ટ અંગે હવામાન વિભાગની આગાહીને પગલે નિચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવાયું છે. તેઓ માટે જમવા- રહેવાની વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદ પડવાથી આજવાનું પાણી છોડાઈ રહ્યું છે. જો શહેરમાં વરસાદ પડશે તો પરિસ્થિતિને અનુરૂપ આજવા સરોવરના દરવાજા બંધ કરાશે. એનડીઆરએફની ટીમને પણ બોલાવાઈ છે.