- નદીકાંઠાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા,
- પરશુરામ ભઠ્ઠા પાસે આવેલું ગરનાળું પણ પાણીમાં ગરકાવ,
- લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વીડિયો વાઇરલ
વડોદરાઃ શહેરમાં ફરીવાર વિશ્વામિત્રીના પૂરએ આફત સર્જી છે. ચોમાસાના બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. શહેરના કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકડ તોળાયું છે. ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે. આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે. વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામ નગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ગઈકાલે સાંજથી વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.
શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરની સાથે મગરો તણાઈને રોડ પર આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. તેવામાં લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. શહેરના વડસરથી કોટેશ્વર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોટેશ્વર ગામ, કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ ટેનામેન્ટ સહિતની સોસાયટીઓ સંપર્ક વિહોણી બની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ નાઈટ શિફ્ટમાંથી પરત ઘરે જઈ શક્યા નથી. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલી પ્રથમ રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ નગર- 1માં નિચાણવાળા ઘરોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલા 24 જુલાઈ અને 26 ઓગસ્ટ આવેલા પૂરમાં પણ અહીં પાણી ભરાયા હતા. હાલ પરશુરામ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે. પરશુરામ ભઠ્ઠા પાસે આવેલું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે.
વડોદરા શહેરના સમા સાવલી બ્રિજ ઉપર બંને તરફ કારો પાર્ક કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને આવેલા પૂરમાં પણ લોકોએ આ બ્રિજ પર વાહનો પાર્ક કર્યા હતા તેમ છતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહનો ખરાબ થઈ ગયા હતા. શહેરની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.