Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠામાં વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠામાં વરસાદને પગલે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠામાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઢીમા ગામમાં ભારે વરસાદને પગલે પ્રાથમિક-માધ્યમિક શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયાં હતા. જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં હતા. દર ચોમાસામાં ભરાય જતા પાણીને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્રસ્ત છે. આ અંગે અનેકવાર રજૂઆત છતા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના કર્મચારીઓમાં પણ તંભની સામે નારાજગી ફેલાઈ છે.

આજે બનાસકાંઠામાં પણ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જગાણા, ભાગળ, કાણોદર, લાલાવાડા ગામોમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બનાસકાંઠાના થરાદ, થરા, ડીસા અને ધાનેરા સહિતના શહેરો અને નગરોમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં હતા. સતત વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. તળાવો અને નદીઓમાં પણ નવા પાણીની આવક થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. બીજી તરફ વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

(Photo-File)