રાજકોટઃ રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે. બપોરે ગરમી અને વહેલી પરોઢે સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં આજે વહેલી સવારે ઝાકળ પડ્યુ હતું. તેમજ સાથે ધૂમ્મસ સર્જાતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી તેથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે બપોરના ટાણે તો તાપમાનનો પારે 35 ડિગ્રીને વટાવી જતાં લોકોને પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી હતી.
રાજકોટ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. 20 ફૂટ દૂર કંઇ દેખાય નહીં તેટલું ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટ-ભાવનગર હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા. વાહનચાલકોને હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. બીજી તરફ રાજકોટ-ગોંડલ હાઈવે પર પણ ગાઢ ધુમ્મસથી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ઉપરાંત આજે વહેલી સવારે જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ છે. હાલ ઘઉં, ચણા, જીરાના પાક પાકવાની તૈયારીમાં છે ત્યારે ગાઢ ધુમ્મસને કારણે નુકસાની જવાની ભીતિ છે.
સૌરાષ્ટ્રભરમાં બપોરના ટાણે આકરા ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જોકે વહેલી પરોઢે સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે. પણ બપોરના ટાણે ફરજિયાત પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્રભરમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.