ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દીપડાની નવી જોડી શ્રવણ અને રક્ષાને મુલાકાતીઓ નિહાળી શકશે
ગાંધીનગરઃ વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦1 સપ્ટેમ્બર-2023ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -2023ની ઉજવણીના ભાગરૂપે તા. ૦6 ઓક્ટોબર-2023થી પ્રવાસીઓ-મુલાકાતીઓ હવે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આ દીપડાની જોડીને નિહાળી શક્શે.
વન્યજીવ સપ્તાહ-2023 નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશન, દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે ‘વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશન’નું ગુજરાતના પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે ચતુર્વેદીની પ્રેરક ઉપસ્થિતિમાં શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન તા. ૦8 ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 200થી વધારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફ્સ ઇકો ક્લબ ધરાવતી શાળાએ બનાવેલ વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ અને વિવિધ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, વન્ય જીવો આપણી ધરોહર છે જેથી તેને બચાવવા જોઇએ. તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતા વન્યજીવી પારિસ્થિતિકીય તંત્ર માટે અને આપણા અસ્તિત્વ માટે ખૂબ જ મૂલ્યવાન છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
ગીર ફાઉન્ડેશનના નિયામક આર. કે. સુગુરે આ પ્રસંગે સૌને વન્યજીવ સંરક્ષણની ઝુંબેશમાં સહભાગી થવા અને આ વર્ષની થીમ ‘પાર્ટિસિપેશન ફોર વાઈલ્ડ કન્ઝર્વેશન’માં જોડાઇ જવા માટે આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહ નિમિત્તે પ્રતિવર્ષ વન્યજીવ સંરક્ષણ અને લોકજાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહ નિમિત્તે ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં પાંચ કેટેગરીમાં ૨૮૦થી વધુ ફોટો મળ્યાં હતાં. જેમાંથી પસંદ કરાયેલા ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. ઉપરાંત ગુજરાતના જાણીતા એવા ૩૦ જેટલા પ્રતિષ્ઠિત તસ્વીરકારો દ્વારા લેવાયેલા દુર્લભ-સુંદર ફોટોગ્રફ્સ પણ આ પ્રદર્શનમાં સામેલ કરાયા છે.
આ પ્રસંગે પીસીસીએફ- વાઇલ્ડ લાઇફ નિત્યાનંદ શ્રીવાસ્તવ, એડીજી ઓફ પોલીસ નરસિમ્હા કોમર, ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક આર.પી.ગેલોત, આર.બી.સોલંકી તેમજ તારક મહેતા ફેમ ટપુ – ભવ્ય ગાંધી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.