નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બંને દેશો અને મોટા આસિયાન ક્ષેત્ર સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરશે. બંને દેશોની મુલાકાત માટે રવાના થતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક દૃષ્ટિકોણના સંદર્ભમાં બંને દેશો મહત્વપૂર્ણ ભાગીદારો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તેઓ બ્રુનેઈ દારુસ્સલામની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવાના થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, એવા સમયે જ્યારે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, તે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સુલતાન હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય આદરણીય સભ્યો સાથે વાતચીત કરવા આતુર છે.
પીએમ મોદીએ કહ્યું કે, તેઓ બ્રુનેઈથી સિંગાપુર જશે. તેમણે કહ્યું કે તેઓ ત્યાં રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને વરિષ્ઠ નેતા ગોહ ચોક ટોંગ સાથે મળવા અને વાતચીત કરવા માગે છે. પીએમ મોદી સિંગાપોરમાં વેપારી સમુદાયના દિગ્ગજોને પણ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ સિંગાપોર સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર વધુ ચર્ચા કરવા માંગે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સંબંધોને મજબૂત કરવા ચર્ચા કરશે, ખાસ કરીને અદ્યતન ઉત્પાદન, ડિજિટલાઇઝેશન અને ટકાઉ વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં.