Site icon Revoi.in

વિવેક અગ્નિહોત્રી અને સિનેમાનો સૉફ્ટ પાવર

Social Share

(સ્પર્શ હાર્દિક)

બહુ દૂરના નહીં એવા અતીતની ઘટનાઓને એના પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવનાર ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મના સર્જક વિવેક અગ્નિહોત્રી આ પહેલાં ‘બુદ્ધા ઇન ટ્રાફિક જામ’ અને ‘ધી તાશ્કંદ ફાઇલ્સ’ જેવી સામાજિક-રાજકીય નિસ્બત ધરાવતી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમની નવી ફિલ્મ ‘વેક્સિન વોર’ સિનેમાગૃહોમાં આવી ગઈ છે. એની મૂળ કથા કેન્દ્રિત છે ભારતીય સંશોધકો, જેમાં ઘણી ખરી સ્ત્રીઓ છે, એમનું કૉવેક્સિન બનાવવા પાછળનું યોગદાન અને આવી અત્યંત કટોકટીની સ્થિતિમાં પણ માનવતા ચૂકી જઈને ભારત વિરોધી નેરેટિવ ચલાવનારા તત્ત્વો પર.

કોરોના મહામારી જેવું ભિષણ સંકટ સમગ્ર વિશ્વમાં વ્યાપેલું હતું ત્યારે પણ રુગ્ણ માનસિકતા ધરાવતાં કેટલાંક લોકો મનોમન ઇચ્છતાં હતાં કે ભારતમાં વધુ ને વધુ મોત થાય, જેથી તેઓ સરકારને ખરાબ ચીતરી શકે! અવ્યવસ્થા અને અરાજકતાના એ સમયગાળામાં માનવમૂલ્યોને કોરાણે મૂકનાર તત્વો પર ‘વેક્સિન વોર’ પ્રકાશ પાડે છે. ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધી ભારતની છબિ યોગ્ય રીતે રજૂ કરનારા બહુ ઓછા સર્જકો થયા છે, જેમાં વિવેક અગ્નિહોત્રી આજના સમયમાં સૌથી ચર્ચાયેલું નામ બની ચૂક્યું છે. વામપંથી વિચારોથી ગ્રસિત ફિલ્મી કથાઓથી ભિન્ન એક નવો અવાજ તેમની પોલિટિકલ ફિલ્મોમાં સંભળાય છે. એકંદરે ભારત માટે નુકસાનકારક લૅફ્ટ વિચારધારાની પેરવી કરતા નેરેટિવની સામે ભારત તરફી નેરેટિવ સેટ કરનારા ઘણા બધા તાકતવર અવાજોમાં વિવેક અગ્નિહોત્રીનો અવાજ સામેલ છે. એમણે ‘વેક્સિન વોર’માં આવા કુપ્રચારો સામે પ્રહાર કર્યો છે – ભારતમાં વેક્સિન ન બની શકે, વિદેશી વેક્સિન જ સારી, ભારતીય મૂલ્યોમાં માનતી સ્ત્રીઓ કચડાયેલી ગણાય, પશ્ચિમી મૂલ્યોને જ અપનાવ્યા પછી સ્ત્રી ખરા અર્થમાં સશક્ત થઈ શકે.

સોશિયલ મીડિયાના ઉદય પહેલાં સિનેમા અને ટેલિવિઝન વિશ્વનાં સૌથી શક્તિશાળી માધ્યમ હતાં. આજે સોશિયલ મીડિયા સામે એમનો પાવર ઓછો થતો દેખાય છે, પરંતુ સિનેમા હજુ જનમાનસ પર સારી પકડ ધરાવે છે. વિચારધારાઓની, રાષ્ટ્રોની કે સમુદાયોની લડાઈઓ કાયમ ચાલતી આવી છે. કોઈ પણ લડાઈમાં મુખ્યત્વે બે મોરચા ગણાવી શકાય. એક હાર્ડ પાવરથી લડાતો મોરચો અને બીજો સૉફ્ટ પાવરથી લડાતો મોરચો. સામાન્ય વ્યાખ્યા બાંધીએ તો હાર્ડ પાવર અર્થાત મિલિટરી પાવર. સૉફ્ટ પાવર અર્થાત સંસ્કૃતિ, કળા અને વિજ્ઞાન જેવા વિષયોમાં રાષ્ટ્રની તાકત, જેની સરળ પરિભાષા આવી છે – કોઈ દેશની એવી ક્ષમતા જેના દ્વારા તે બળજબરી કે જોરજુલમને બદલે સમજાવી કે ફોસલાવીને પોતાનું હિત સાધી શકે કે પોતાના તરફ અન્યોને આકર્ષિત કરી શકે. સાહિત્ય, ટીવી, સિનેમા, સંગીત, વગેરે જેવા માધ્યમો સૉફ્ટ પાવરની મેઇન પાઇપલાઇન છે.

પશ્ચિમના સિનેમામાં ભારત કે મેક્સિકો (અથવા મેહિકો) જેવા દેશોનાં દૃશ્યો મોટે ભાગે સેપિયા ફિલ્ટર કે ટોનમાં દર્શાવાય છે. સેપિયા એટલે પીળાશ પડતો માંદો રંગ. ભારત ગરીબ અને ધૂળમાં આળોટતો પછાત દેશ જ છે એવા વિચારનું વિશ્વભરના દર્શકોના માનસમાં આરોપણ કરીને દાયકાઓ સુધી આ કુપ્રચાર ચલાવવામાં આવ્યો. ભારતીય સિનેમા જગત પર વારંવાર આરોપ લાગ્યા છે કે તેના પર મોટે ભાગે વામપંથી અને કેટલાંક મુદ્દે હિન્દુ કે ભારત દ્વેષી તત્ત્વોનો જ પ્રભાવ રહ્યો છે. સામાન્ય દર્શકો લાંબુ ન વિચારે અને એમના સબકોન્શિયસ માઇન્ડમાં એકવાર કુપ્રચારની સામગ્રી પેસી જાય પછી એને દૂર કરવી મુશ્કેલ છે. કોઈ પણ દેશ સમસ્યા વિહીન ન જ હોઈ શકે, પરંતુ શું એ સમસ્યાઓ અને મુદ્દાઓને સતત ઘણ જેમ દર્શકોના માથા પર મારી એમને હતાશ કરી દેવાથી ફાયદો થાય? વામપંથી વિચારોથી પ્રેરિત ફિલ્મો મોટે ભાગે આવું જ ધીમું ઝેર પ્રસરાવે છે, જેનાંથી દર્શકોને પોતાના સમાજ, દેશ કે વ્યવસ્થા પ્રત્યે તિરસ્કાર જાગે અને તેમનામાં રહેલાં સાંસ્કૃતિક મૂલ્યોનું ધોવાણ થઈ જાય. નિરાશાવાદી સમાજને માનસિક રીતે નિષ્ક્રિય કરવાની આવી યુક્તિથી કોઈ પણ દેશને અંદરથી ખોખલો કરી શકાય.

નેરેટિવની વૉરમાં સિનેમાનો સૉફ્ટ પાવર હોલિવુડ દ્વારા અમેરિકાએ સફળતાપૂર્વક વાપરી જાણ્યો છે. પોતાના દેશની સુખસમૃદ્ધિ કે સૈન્ય શક્તિને સકારાત્મક રીતે દર્શાવતી ફિલ્મો વિશ્વભરના દર્શકોએ વધાવી છે. ૯/૧૧ના હુમલા પછી આતંકવાદ સામે લડતા અમેરિકનોને ખરા હિરો જેમ રજૂ કરતી ડઝનો ફિલ્મો અમેરિકનોના જુસ્સાને વધાવતી, એમના રાષ્ટ્રવાદને પ્રેરતી હતી, આતંકવાદના સંકટ સામે એક દેશ તરીકે એકઠા થવાનો વિચાર પ્રબળ કરતી હતી. આવી ફિલ્મો વિશ્વભરના દર્શકોના સબકૉન્શિયસ માઇન્ડમાં એ વાત રોપવામાં ઘણે અંશે સફળ થયેલી કે આતંકવાદ વિરુદ્ધ એમની લડાઈ વાજબી હતી. એમણે સેટ કરેલા આ નેરેટિવમાં એ હકીકત લગભગ ઢંકાઈ જ ગઈ કે ઇસ્લામિક આતંકવાદને જન્માવવામાં મુખ્ય ભૂમિકા અમેરિકા અને સી.આઇ.એ.ની જ હતી. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયનને ફાવવા ન દેવાના આશયથી પરોક્ષ રીતે મજબૂત કરેલું મુજાહિદ્દિનોનું જૂથ જ આગળ જઈને લાદેનની આગેવાનીમાં અલ-કાયદાના સ્વરૂપે મોટું થયેલું. મિડલ ઇસ્ટના દેશોમાં લોકશાહીનું ગળું દાબી, ત્યાં પોતાને ન માફક આવે એવા નેતાઓને સત્તા પરથી હટાવી પોતાની કઠપૂતળીઓને બેસાડવાનું અમેરિકા અને સી.આઈ.એનું કપટ પણ ત્યાં આતંકવાદી તત્ત્વોને પ્રોત્સાહન આપનારું સાબિત થયેલું. કિન્તુ, હોલિવુડના સૉફ્ટ પાવરની કૃપાથી વિશ્વભરના લોકો આજે પણ અમેરિકાને લાદેન વિરુદ્ધ લડનાર નાયક તરીકે જ જાણે છે!

બીજી તરફ ભારતની વાત કરીએ તો, ‘ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી ફિલ્મો ભારતમાં બની અને એક વિશાળ દર્શકગણ દ્વારા વધાવી લેવાઈ, ત્યારે થોડાંઘણાં લોકો એવા હતા જેમને એમાંનો રાષ્ટ્રવાદ ખટકેલો! આપણાં સિનેમામાં સૉફ્ટ પાવરથી ભારતની છબિ વિકાસના પંથે દોડતા, મજબૂત, જુસ્સાવાન, આશાવાન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશના જેવી થાય એ ઘણાંને ગમતું નથી. વિવેક અગ્નિહોત્રી એક મુલાકાતમાં કહે છે કે અત્યાર સુધી ફિલ્મોમાં સરકારી ઑફિસના દૃશ્યોમાં ધૂળ ખાતી ફાઇલો દર્શાવાતી હતી અને આજે પણ ભારતના મોટા ભાગના હિસ્સામાં આવું હશે જ, પરંતુ સરકારી તંત્રનું નવીનીકરણ થઈ રહ્યું છે એ પણ વાસ્તવીકતા છે. આજે જી-ટ્વેન્ટી ઇવેન્ટથી ‘ભારત મંડપમ’ જેવી અદ્યતન ઇમારત પર દુનિયાભરની નજર પડે છે ત્યારે એવો સંદેશો જાય છે કે ભારત હવે ધૂળ ખાતી ફાઇલોના ઢગલાઓથી ભરાયેલી ઑફિસોનો દેશ નથી રહેવાનો. સિનેમાએ ભારતનું આ પાસું પણ દર્શાવવું જોઈએ, જેથી સામાન્ય લોકોના મનમાં જુસ્સાની ભાવના પ્રગટે અને એ પણ દેશના વિકાસમાં પોતાનાથી શક્ય એટલું પ્રદાન કરવા વધુ પ્રેરિત થાય.

સિનેમા અત્યંત તાકતવર માધ્યમ હોવાનું કારણ છે એનું થોડા સમય માટે દર્શકને વાસ્તવિકતા અને આભાસ વચ્ચે ભેદ કરવાની ક્ષમતા ભૂંસી દેવાનું લક્ષણ. ક્યારેક તો લાંબા સમય સુધી પણ દર્શક આ ભેદ ભૂલીને ફિલ્મમાં દર્શાવેલું જ સત્ય માની બેસે. એક સામાન્ય જણાતું દૃશ્ય પણ દર્શકના મનને જડ રીતે વળગી એના મૂળભૂત વિચારોમાં બદલાવ લાવી શકે છે. લૅફ્ટ વિચારધારાના લોકોએ સાહિત્ય, કળા અને સિનેમાના માધ્યમો પર દાયકાઓ સુધી પ્રભાવ જમાવી રાખીને ભારત જેવા દેશોના નાગરિકોનું મનોબળ અને આત્મવિશ્વાસ તળિયે લઈ જવાના પ્રયાસો જ કર્યા છે. પરંતુ હવે દર્શકો પણ સજાગ થઈ રહ્યા છે અને ભારતનું અહિત કરવાની ઇચ્છાથી ચલાવાતા નેરેટિવને નકારી દે છે. વિવેક અગ્નિહોત્રી ‘વેક્સિન વોર’ના પ્રચાર અંતર્ગત ઘણી બધી મુલાકાતોમાં નવા ભારતનો આ મિજાજ સ્પષ્ટ કરીને લૅફ્ટ વિચારધારાના બદઇરાદા અનાવૃત કરી રહ્યા છે. ભવિષ્યમાં તેઓ ‘ધી દિલ્હી ફાઇલ્સ’ ફિલ્મ પણ બનાવશે એવો એમણે સંકેત આપેલો છે. વિવેક અગ્નિહોત્રી જેવા વધુ સર્જક ભારતીય સિનેમા જગતને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ.

hardik.sparsh@gmail.com