Site icon Revoi.in

વિઝિંજામ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ દરિયાઈ વેપારમાં ભારતનું વર્ચસ્વ વધારશે

Social Share

વિશાળકાય જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે વિઝિંજામ પોર્ટ દેશના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા અગ્રેસર છે. અદાણીના વિઝિંગમ પોર્ટ પર સૌપ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પહોંચતા જ ભારત દુનિયાના નકશામાં મહાકાય જહાજોને લાંગરતા પોર્ટ પૈકી એક બન્યું છે. તે ટ્રાન્સશિપમેન્ટ ક્લબમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે, જે અત્યાર સુધી વિશ્વ સાથે વધતા વેપાર છતાં ખૂટતું હતું. 

ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે મોકાનું બંદર વિઝિંજામ ભારતના દરિયાઈ વેપારને વૈશ્વિકસ્તરે મજબૂત કરશે. ભારતનો વર્તમાન કન્ટેનર ટ્રાફિક ચીનના 10% કરતા ઓછો છે, વિઝિંજામ પોર્ટ વધુ જહાજોને આકર્ષવામાં સક્ષમ રહેશે તો તે ભારતના દરિયાઈ વેપારને વૈશ્વિકસ્તરે વધુ મજબૂત સ્થાન મળશે. તે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગથી માત્ર 10 નોટિકલ માઇલ દૂર છે.

ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હબ તરીકે કામ કરે છે, જ્યાં શીપીંગ રૂટમાં એક મહાકાય જહાજમાંથી કાર્ગોને નાના કદના જહાજોમાં અનલોડ કરી ટ્રાન્સફર કરવામાં આવે છે. ભારતની આસપાસના મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબમાં દુબઈ નજીક સિંગાપોર, શાંઘાઈ, બુસાન અને જેબેલ અલી જેવા બંદરોનો સમાવેશ થાય છે. કન્ટેનર જહાજ જેન હુઆ 15 પૂર્વ ચીન સમુદ્રથી વિઝિંગમ બંદરે પહોંચનાર પ્રથમ કાર્ગો કેરિયર છે. 

વિઝિંજામ ભારતનુ સૌપ્રથમ એવું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે જેની કુદરતી ઊંડાઈ 18-20 મીટર છે. મહાકાય જહાજો માટે તે અત્યંત આવશ્યક છે. અત્યાર સુધી વિશ્વના કેટલાક મોટા કન્ટેનર જહાજો ભારતમાં આવી શક્યા નથી. કારણ કે દેશના બંદરો આવા જહાજોને લાંગરી શકાય એટલા ઊંડા નહોતા. એ જહાજો ભારતને બદલે કોલંબો, દુબઈ કે સિંગાપોર જેવા બંદરો પર પહોંચતા હતા. હવે તે વિદેશ નહીં પણ ભારતના વિઝિંજામ પોર્ટ પર આવી શકશે. 

અદાણી પોર્ટ્સ દ્વારા સંચાલિત વિઝિંજામ પોર્ટ અદાણી જૂથ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અદાણી ગ્રૂપ સંચાલિત આ પોર્ટનો લક્ષ્યાંક વાર્ષિક 10 લાખ કન્ટેનર હેન્ડલ કરવાનો છે. આનાથી રોજગારીની તકો વધશે અને વધુ રોકાણ પણ આકર્ષિત થશે. ભવિષ્યમાં વૈશ્વિક બંકરિંગ હબ તરીકે વિઝિંજામ હાઇડ્રોજન અને એમોનિયા જેવા ગ્રીન ફ્યુલની સપ્લાય પણ કરશે.

અદાણી પોર્ટસ દ્વારા સંચાલિત 13 બંદરોમાં વિઝિંજામ બંદર, મુન્દ્રા બંદર, ગંગાવરમ બંદર, કૃષ્ણપટ્ટનમ બંદર, તુના ટર્મિનલ, દહેજ બંદર, હજીરા બંદર, મોરમુગાવ બંદર, કટ્ટુપલ્લી બંદર, એન્નોર ટર્મિનલ, ધામરા પોર્ટ, દિઘી પોર્ટ અને કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.