Site icon Revoi.in

ઓડિશામાં નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા વીકે પાંડિયને રાજકારણ છોડ્યું

Social Share

નવી દિલ્હીઃ ઓડિશામાં પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા પૂર્વ અમલદાર વીકે પાંડિયને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. વીકે પાંડિયને એક વિડિયો સંદેશમાં કહ્યું કે, રાજકારણમાં આવવાનો તેમનો હેતુ માત્ર પટનાયકને મદદ કરવાનો હતો. જોકે, હવે તેઓ સક્રિય રાજકારણથી દૂર જઈ રહ્યા છે. પાંડિયને કહ્યું કે જો તેમની રાજકીય સફર દરમિયાન કોઈને દુઃખ થયું હોય તો તેઓ દિલગીર છે. તેમણે કહ્યું કે જો તેમની વિરુદ્ધના અભિયાનને કારણે બીજુ જનતા દળને હારનો સામનો કરવો પડ્યો છે તેનો અફસોસ છે. પાંડિયને કહ્યું કે તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સહિત સમગ્ર બીજેડી પરિવારની માફી માંગે છે.

4 જૂને ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી પાંડિયન જાહેરમાં જોવા મળ્યા નથી. 5 જૂને, જ્યારે સીએમ પટનાયક રાજ્યપાલ રઘુવર દાસ પાસે રાજીનામું આપવા ગયા હતા, ત્યારે પાંડિયન પણ જોવા મળ્યા ન હતા. નવીન નિવાસ ખાતે બીજેડી નેતાઓની બેઠકમાં પણ તેઓ જોવા મળ્યા ન હતા. પૂર્વ સીએમ પટનાયકે ઓડિશામાં હાર બાદ પાંડિયનની ટીકાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પાંડિયન બીજેડીમાં જોડાયા પછી ‘શાનદાર કામ’ કર્યું છે.

વિધાનસભા ચૂંટણી 2024માં કારમી હારનો સ્વાદ ચાખવાની સાથે બીજુ જનતા દળ આ લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શક્યું નથી. નબળા પડી રહેલા સમર્થનની વચ્ચે બીજદના ઘણા મોટા નેતાઓ પોતાના કિલ્લા બચાવવામાં પણ સફળ રહ્યા નથી. ભાજપે 78 બેઠકો જીતીને અઢી દાયકા જૂની બીજેડી સરકારને હટાવી દીધી છે. પટનાયકના નેતૃત્વવાળી પાર્ટીને માત્ર 51 વિધાનસભા બેઠકો મળી હતી. કોંગ્રેસને 14 બેઠકો મળી હતી, જ્યારે ડાબેરી પક્ષ- CPIMને એક બેઠક મળી હતી. ત્રણ અપક્ષ ઉમેદવારો પણ જીતવામાં સફળ રહ્યા હતા.