ગુજરાતમાં આજથી એક મહિના સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરાશે
ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.1લી જાન્યુઆરી, 2024 ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને આખરી કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર (BLO)ને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની (House to House) મુલાકાત લેવામાં આવશે.આ માટે BLO તા.21મી જુલાઇથી 21મી ઓગસ્ટ, 2023 સુધીમાં પોતાને ફાળવવામાં આવેલા વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરશે. આ કાર્યક્રમ હેઠળ તા.21મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BLO દ્વારા 1.79 લાખથી વધુ ઘરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવશે. BLO દ્વારા ઘરોની મુલાકાત દરમિયાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે.ખાસ કરીને તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.6 ભરાવીને મેળવવામાં આવશે.
મતદારોની વિગતો ચકાસીને જો મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.8 મેળવવામાં આવશે,મતદારોની ખરાઇ દરમિયાન એક કરતાં વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મ નં.7 મેળવવામાં આવશે.તા.1લી ઓકટોબર,2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોની વિગતો મેળવી યાદી તૈયાર કરવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટકે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તૈયાર કરીને BLO /સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઇ મુલાકાત કરીને ખરાઇ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજૂરી મળ્યેથી BLO દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટના દરેક ઘરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મ નં.6, ફોર્મ નં.8 મેળવવામાં આવશે.એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે આગામી તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવનાર હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરીને અનુલક્ષીને રાજ્યભરના BLO અને સુપરવાઈઝર્સને ઈ-માધ્યમ થકી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ફૂટ સોલ્જર્સ ઑફ ઈલેક્શન તરીકે ઓળખાતા બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ ચૂંટણી તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમની કામગીરીને વધુ સુદ્રઢ અને સરળ બનાવવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સમયાંતરે તેમને જરૂરી તાલીમ આપવામાં આવે છે. આગામી તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવનાર છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ ઍપ્લિકેશન એન્ડ જીઓ-ઈન્ફોર્મેટીક્સ (BISAG) ના સંકલનથી SAT-COM એટલે કે સેટેલાઈટ કમ્યુનિકેશનના માધ્યમથી રાજ્યભરના 51,781 બુથ લેવલ ઑફિસર્સ અને આશરે 5,000 જેટલા સુપરવાઈઝર્સને મતદારયાદી સુધારણા અને BLO ઍપ્લિકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.