Site icon Revoi.in

ગુજરાતમાં કાલથી દર રવિવારે મતદાર સુધારણા કાર્યક્રમ, નિયત શાળાઓ ખૂલ્લી રાખવા આદેશ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો આવતી કાલ રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં જે શાળાઓમાં મુખ્ય બુથ નક્કી કરાયા છે તેવી શાળાઓ  ચાર દિવસ માટે ખુલ્લી રાખવા આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 14, 21, 27 અને 28 તારીખના રોજ આ કાર્યક્રમ યોજાનાર હોઈ જે સ્કૂલોમાં બૂથ ફાળવાયેલા છે ત્યાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ માટે સ્કૂલો ખુલ્લી રાખવાની રહેશે. જ્યાં હક, દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ફોટો વાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જાહેર કર્યા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. અને તે અંગેની સૂચનાઓ જે તે વિભાગને આપવામાં આવી છે.દરમિયાન અમદાવાદ શહેરની વિવિધ વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીની કામગીરી માટે ડીઈઓ કચેરી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. શહેરની વિવિધ વિધાનસભામાં 1 જાન્યુઆરી, 2022ની લાયકાત તારીખના સંદર્ભમાં હક્કા દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની રહે છે. જેથી આ કામગીરી માટે બૂથવાઈઝ શાળાઓમાં 14 નવેમ્બર, 21 નવેમ્બર, 27 નવેમ્બર અને 28 નવેમ્બર એમ ચાર દિવસ ખુલ્લી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ ચાર દિવસ માટે શાળાઓ  કે જ્યાં બૂથ નક્કી કરેલા છે ત્યાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી શાળાઓ ખુલ્લી રાખવાની રહેશે અને શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા તથા જરૂરી ફર્નિચરની વ્યવસ્થા કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કરી સૂચના આપી હોવાનું જાણવા મળે છે.