Site icon Revoi.in

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

Social Share

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા ઓછી જોવા મળી હતી. આવી સ્થિતિમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે.

આ તરફ હવે આવા પ્રયાસને ટેકો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, જે લોકો મતદાન કરે છે તેઓને તેમના મતદાન પ્રતીક બતાવીને મફતમાં AMTS બસમાં સવારી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત મતદાનના સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં કોઈ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ તરફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પણ જાહેરાત કરી છે કે જે લોકો મતદાન કર્યા પછી મતદાનનું પ્રતીક બતાવશે તેમને દવાઓની ખરીદીમાં 7 થી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદારો ગુજરાતમાં કોઈપણ સ્ટોરમાંથી દવાઓ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ ઉપરાંત મતદાન કરનારા લોકો માટે અમદાવાદના રિવરફ્રન્ટમાં ચાલતા ક્રૂઝ પર ડિનર પર 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.