Site icon Revoi.in

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન, 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલતી હતી. દરમિયાન ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તા. 1 ડિસેમ્બરમાં પ્રથમ તબક્કા અને 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણીપંચના કમિશનર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બર અને 10મી નવેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠક અને બીજા તબક્કામાં 93 બેઠકો ઉપર મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. રાજ્યમાં કાલુ 4.90 કરોડ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની બેઠકો ઉપર મતદાન યોજાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, તો સાથે સરહદ પર કડક વ્યવસ્થા કરવામાં આવશે, દારૂની હેરાફેરી પર ખાસ નજર કરવામાં આવશે.