Site icon Revoi.in

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન, બિહારની 5 અને યૂપીની 13 બેઠકો પણ સામેલ

Social Share

દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે મતદાન થશે. આ ઉપરાંત ઓડિશાની 21માંથી 4 બેઠકો, તેલંગાણાની 17માંથી 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 80માંથી 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 42માંથી 8 બેઠકો અને જમ્મુ-કાશ્મીરની પાંચમાંથી એક બેઠક પર મતદાન ચાલી રહ્યું છે..

આ તબક્કા દરમિયાન 1 લાખ 92 હજાર મતદાન મથકો પર 17.7 કરોડ મતદારો છે તેઓ 1717 ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. આ કામ માટે 19 લાખ મતદાન કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. કુલ મતદારોમાંથી 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે. કુલ 17.7 કરોડ મતદારોમાંથી 12.49 લાખ 85 વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પર નજર રાખવા માટે 364 નિરીક્ષકો અને 4661 ફ્લાઈંગ સ્ક્વોડ છે. આ સિવાય 4438 સ્ટેટિક સર્વેલન્સ ટીમો પણ મતવિસ્તારમાં રહેશે. દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ મતવિસ્તારોમાં 1016 આંતર-રાજ્ય સરહદ અને 121 આંતર-રાષ્ટ્રીય સરહદી ચેકપોસ્ટ છે.

અલ્લુ અર્જુને હૈદરાબાદમાં પોતાનો મત આપ્યો

અભિનેતા અલ્લુ અર્જુન પોતાનો મત આપવા માટે હૈદરાબાદ, તેલંગાણા પહોંચ્યા. તેઓ જ્યુબિલી હિલ્સના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર જોબા માંઝીએ પોતાનો મત આપ્યો

ઝારખંડના સિંઘભૂમથી ઈન્ડિયા બ્લોકના લોકસભા ઉમેદવાર જોબા માંઝી વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. મતદાનની સાથે તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી.

CM યોગીએ વોટ કરવાની અપીલ કરી

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લોકોને વોટ કરવાની અપીલ કરી છે. સીએમ યોગીએ કહ્યું, ‘તમામ આદરણીય મતદારોને અપીલ છે કે તેઓ ‘વારસા અને વિકાસ’ માટે, દેશની ‘સુરક્ષા અને સન્માન’ માટે, ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત’ની કલ્પના માટે મત આપે. તમારો દરેક મત નિર્ણાયક છે. યાદ રાખો – પ્રથમ મતદાન, પછી નાસ્તો!