1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વઢવાણના બાંધણી ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, કેમિકલ અને કાપડનો ભાવ વધારો કારણભૂત
વઢવાણના બાંધણી ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, કેમિકલ અને કાપડનો ભાવ વધારો કારણભૂત

વઢવાણના બાંધણી ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ, કેમિકલ અને કાપડનો ભાવ વધારો કારણભૂત

0
Social Share

વઢવાણઃ ઝાલાવાડનું ઐતિહાસિક ગણાતુ વઢવાણ શહેર ઔદ્યોગિક ક્ષેત્રે પછાત ગણાય છે. છતાં કેટલાક લોકોની કોઠાસુઝને લીધે વર્ષોથી અહીંનો બાંધણી ઉદ્યોગ જાણીતો બન્યો હતો. વઢવાણની બાંધણીની માગ માત્ર ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ રહેતી હતી.એક સમયે બાંધણીનું મોટું બજાર કાળક્રમે ઘટીને 50 વેપારી સુધી સીમિત થયું છે.આયાત કરાતા કેમિકલ અને કાપડના ભાવ વધતાં 4 મહિનાથી બાંધણી ઉદ્યોગ મંદીમાં સપડાયો  છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણમાં બાંધણીના ડ્રેસ, સાડી, દુપટ્ટા, ચણીયોચોળી, પંજાબી બાંધણી, સુટ, સાડી સિલ્ક સાડી, ગામઠી સુટ, બેડસીટ, ગાઉન, લોબડી, માતાજીના ભેળીયા, શાલ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંની બાંધણી મહારાષ્ટ્ર, હિમાચલ, ઓરિસ્સા, રાજસ્થાન, દિલ્હી, કલકતા ઉપરાંત વિદેશમાં પહોંચે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વઢવાણના બાંધણી ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. બાંધણી બનાવતા વેપારીઓના કહેવા મુજબ બાંધણીની ચીજવસ્તુઓ બનાવવા માટે દૈનિક જરૂરિયાતને લઇને એક માસમાં અંદાજે રૂ. અઢી લાખ કિંમતનું કૅમિકલ અને એક લાખ મીટર કાપડનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ વાપી, વલસાડ, સુરતથી આવતા કૅમિકલ તેમજ મુંબઈથી લવાતા કાપડના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. આથી જુદી જુદી બનાવટોના ભાવ વધી ગયો છે. પહેલા જુદી જુદી 50,000 જેટલી બાંધણીનુ ઉત્પાદન થતું હતું જે હાલ 15,000 પર પહોંચી ગયું છે. જેના કારણે હાલ 15થી 20 ટકા જ ઘરાકી જોવા મળી રહી છે. ગુજરાત સાથે અન્ય રાજ્યોમાંથી માલ ખરીદવા આવતા લોકોની સંખ્યા પણસદિવસે દિવસે ઘટી રહી છે. આથી વેપારીઓ તેમજ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

બાંધણી બનાવતા વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે,  કાપડને રંગવાનો કલર બનાવવા હાઇડ્રોક્લોરિક કોસ્ટીટ, નાઇટ્રેટ સોડિયમ એસિડ અને ભઠ્ઠી માટે ડીઝલનો ઉપયોગ કરાય છે. આ કૅમિકલ વલસાડ, વાપી અને સુરત સહિતના સ્થળેથી લાવવામાં આવે છે. બાંધણીના ઉત્પાદનમાં રોજ 5 કિલો કૅમિકલ હાઇડ્રોક્લોરિક કોસ્ટીટ,5 લીટર એસિડ અને અંદાજે ભઠ્ઠી માટે 20 લીટર ડિઝલનો એક વેપારી દીઠ વપરાશ છે. આમ દૈનિક અંદાજે 5000 લી.કૅમિકલનો ઉપયોગ થાય છે. હવે કાચા માલના ભાવ વધતાં અમારે નાછૂટકે ભાવ વધારવા પડ્યા છે. તેના લીધે ગરાકી ઘટી ગઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વઢવાણનો બાંધણી ઉદ્યોગ સદીઓથી સુવિખ્યાત છે. આધુનિક યુગમાં પણ વઢવાણની બાંધણી સ્પર્ધા કરી રહી છે. બાંધણી સુતરાઉ તેમજ રેશમની સાડી હોય છે. જેના વિશિષ્ટ રંગકામને કારણે બાંધણી તરીકે ઓળખાય છે. બાંધે તે બંધન અને આ બંધન શબ્દ પરથી બાંધણી નામ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વઢવાણમાં પણ બાંધણી મોટા પાયે બને છે. આ બાંધણી બનાવવાના કામમાં લોકો કુશળતા ધરાવે છે. 21મી સદીમાં દરેક કાર્ય માટે યાંત્રિક સાધનો શોધાયા છે. પરંતુ બાંધણીને ઝડપભેર બાંધી શકે એવુ કોઇ યંત્ર આજ સુધી શોધી શકાયું નથી. સામાન્ય રીતે સુતરાઉ તેમજ સાટિન રેશમી વસ્ત્ર પર બાંધણી કામ સૌથી વધુ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code