- 12 ગામના કોશી સમાજ દ્વારા ઊજવાય છે વાગડ ઉત્સવ,
- વાગડ ઉત્સવમાં બેડા રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર,
- વાગડ ઉત્સવથી પ્રવાસન ઉદ્યોગ અને ભાગાળ સંસ્કૃતિને વેગ મળશે
ભૂજઃ છેલ્લા એક દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. હવે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ધોળાવીરા એક એવું સ્થળ છે, જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું. વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ થયા બાદ દેશ-વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. જોકે, ધોળાવીરા જતા રસ્તામાં ભાગળ વિસ્તાર આવતા ભાગળ સંસ્કૃતિને અને ત્યાંના પ્રવાસનને વેગ મળે તે માટે સૌપ્રથમ વખત વાગડ ઉત્સવનું આયોજન કર્યું હતું. વાગડ ઉત્સવમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે.
કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તાર એકલધામ ભરૂડીયા ખાતે વાગડ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રણ વિસ્તાર અને રણકાંધીના આજુબાજુ વિસ્તારના 21 ગામોના કોળી સમાજના લોકોએ વાગડ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. વાગડ ઉત્સવમાં વિવિધ જ્ઞાતિના લોકોએ પણ પોતાનો પારંપરિક પહેરવેશ પહેરીને ભાગ લીધો હતો. જ્યાં મહિલાઓ અને પુરૂષો પરંપરાગત રાસ રમ્યા હતા.
વાગડ ઉત્સવમાં કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારમાં રહેતા કોળી ઠાકોર સમાજ, આહીર સમાજ, પટેલ સમાજ સહિત અનેક સમાજના લોકો પોતાના પારંપરિક પહેરવેશ પહેરીને રાસ રમ્યા હતા. મહિલાઓએ વિવિધ પ્રકારના રાસ રજૂ કર્યા હતા. જેમાં બે તાળી રાસ, બેડા રાસ સહિત અન્ય અનેક પ્રકારના રાસ રજૂ કરવામાં આવ્યા હતા.કચ્છના રણકાંધી વિસ્તારની આહીર સમાજની બહેનોની મંડળીએ પારંપારિક વસ્ત્રો અને પોશાકમાં બેડા રાસ વાગડ ઉત્સવમાં રજૂ કર્યો હતો. બેડા રાસમાં આહીર સમાજની બહેનોએ આકર્ષણ જમાવ્યું હતું અને પોતાની લોક કલાની ઝાંખી રજૂ કરી હતી. આ સિવાય અન્ય લોકો દ્વારા પણ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વાગડ ઉત્સવ દરમિયાન કચ્છની ભાતીગળ સંસ્કૃતિ ઝળકી ઉઠી હતી.