Site icon Revoi.in

ભાજપનું લોટસ ઓપરેશન, અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ફરીવાર પક્ષ પલટાંની મોસમ શરૂ થઈ છે. જેમાં ભાજપ દ્વારા તો ઓપરેશન લોટસને સફળ બનાવવા સત્તવાર કમિટી પણ બનાવી છે. વિપક્ષના સભ્યોને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધરાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વાઘેલા થોડા દિવસોમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. અને વાઘોડિયા બેઠક પરથી  પેટાચૂંટણી લડશે. કહેવાય છે. કે,  ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપી દીધુ છે. વાઘેલાના પગલે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહે પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા છે.

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક 156 બેઠકો મળી હતી. છતાં પણ ભાજપને આટલી બેઠકોની સંતોષ ન હોય તેમ વિપક્ષના ગણ્યાગાંઠ્યા ધારાસભ્યોને રાજીનામાં અપાવીને પક્ષપલટો કરાવવામાં આવી રહ્યો છે. જો આમ જ ચાલશે તો ગુજરાતમાં વિપક્ષ નામશેષ થઈ જશે. કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી હવે માત્ર 15 ધારાસભ્યો રહ્યા છે. જેમાં પણ ચારપાંચ ધારાસભ્યોને ખેડવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે  આપણા દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશ જ્યારે વિશ્વ ફલક પર જઈ રહ્યો હોય ત્યારે તેમને સહભાગી થવા માટે મેં આજે રાજીનામું આપ્યું છે. મારી કોઈ મજબૂરી નહોતી, મેં મારી જાતે અયોધ્યામાં જ્યારે રામલ્લા બિરાજમાન થયા હોય ત્યારે અને રામરાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. હું આમાંથી બાકાત ન રહી જાઉં અને મારા મતદારોની ઇચ્છા હોય એ માટે મેં રાજીનામું આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને કોઈ પદ, લાભની કોઈ લાલચ નથી. મને કોઈ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનું કોઈ પ્રોમિસ કર્યું નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. પાર્ટી કોઈ આદેશ કરશે તો હું ચૂંટણી લડીશ. મને પાર્ટી સાથે મંત્રીપદની કોઈ લોભ લાલચ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ અને સી.આર. પાટીલ સાહેબનાં કામથી પ્રભાવિત થઈ રાજીનામું આપ્યું છે. બળવો કરવાનો પ્રશ્ન જ નથી. મને વ્યક્તિથી વિરોધ હતો, ભાજપથી કોઈ વિરોધ નહોતો. જે વ્યક્તિ ભાજપમાં હતી તેના વિરોધથી મેં રાજીનામું આપી ચૂંટણી લડ્યો હતો. જનતાની ઇચ્છા હતી કે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા તમે રાજીનામું આપો. એટલે મેં રાજીનામું આપ્યું છે.