દિલ્હીઃ- રશિયામાં વેગનર ગ્રુપના ચીફ પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમનું નામ થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કર્યો હતો.
રશિયાના મોસ્કોના ઉત્તરમાં એક ખાનગી જેટ ક્રેશ થતા દસ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રેશ થયેલા પ્લેનમાં સવાર મુસાફરોની યાદીમાં વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનનું નામ પણ સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટનામાં વેગનર ચીફનું પણ મોત થયું છે.
રશિયન એજન્સીઓ અનુસાર, વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જેમાં વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિનનો પણ સમાવેશ થાય છે. રશિયન રાજ્ય સમાચાર એજન્સીઓએ વિતેલી રાતે જણાવ્યું હતું કે વેગનર જૂથના વડા, યેવજેની પ્રિગોઝિન, જેણે જૂનમાં રશિયાની સૈન્ય સામે બળવો કર્યો હતો, તે ક્રેશ થયેલા વિમાનના મુસાફરોમાં હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલા જેટમાં સાત મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર હતા. મોસ્કોની ઉત્તરે આવેલા ટાવર વિસ્તારમાં જેટ ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા કેટલાક વિડિયોમાં જેટ ક્રેશ થતું દર્શાવવામાં આવ્યું છે.વેગનર ગ્રુપ એ ક્રેમલિન-સાથી ભાડૂતી દળ છે અને તેનું નેતૃત્વ યેવજેની પ્રિગોઝિન કરે છે.
યેવજેની પ્રિગોઝિને જૂનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સામે બળવો કર્યો અને તેના સૈનિકો સાથે મોસ્કો પર કૂચ કરી, પરંતુ બેલારુસના હસ્તક્ષેપ પછી પીછેહઠ કરી. આ પહેલા, યેવજેની પ્રિગોઝિનની ખાનગી સૈન્ય દળ વેગનર રશિયન નિયમિત સૈન્ય સાથે યુક્રેન સામે લડી ચુકી છે.