Site icon Revoi.in

ગુજરાતમાં ડ્રાઈવિંગ માટેના લાયસન્સ માટે વપરાતી ચીપ્સની અછત સર્જાતા સવા લાખનું વેઈટિંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ દ્વારા વાહનો માટેના પાકા ડ્રાઈવિંગ લાયસન્સમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સની છેલ્લા મહિનાઓથી અછત સર્જાઈ છે. રાજ્યના તમામ આરટીઓ કચેરીમાં પાકા ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાંબુ વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યું છે. પાકા ડ્રાઈવિંગ માટે ચિપ્સ અને કાર્ડ પુરા પાડતા કોન્ટ્રાકટરે તો હાથ ઊંચા કરી દીધા છે. રાજ્યભરના સવા લાખથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સના કામ અટકી પડ્યા છે. જેના કારણે વાહન ધારકોને ભારે હાલાકી પડી રહી છે. પાકુ લાયસન્સ ન મળવાના કારણે ઈન્સ્યોરન્સ, બેંક સહિતની દસ્તાવેજી પ્રક્રિયાઓ અટકી ગઈ છે. ખુદ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ સ્વીકાર્યું છે કે આ સમસ્યા છે પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે એ કોઈને ખબર નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં પાકા લાયસન્સ બનાવવાની કામગીરી અટકી પડી છે. લાયસન્સ માટે વપરાતી ખાસ ચિપ ઉપલબ્ધ ન હોવાથી નવા લાયસન્સ બની રહી રહ્યા નથી. જેના કારણે એકલા અમદાવાદમાં જ 18 હજાર જેટલા લાયસન્સનું કામ થયું નથી. તો રાજ્યભરમાં આ આંકડો સવા લાખ જેવો થવા જાય છે. મે મહિનાની શરૂઆતથી જ લાયસન્સના સ્માર્ટ કાર્ડ ખુટી પડ્યા હતા. જેના કારણે RTOમાં કામગીરી ધીમી થઈ ગઈ હતી. તો કેટલીક RTOમાં તો મે મહિનામાં લાયસન્સ ડિસ્પેચ કરવાના જ બંધ થઈ ગયા છે. RTO લોકોને અપીલ કરી રહ્યું છે કે જ્યાં સુધી લાયસન્સ ન આવે ત્યાં સુધી તેઓ ડિજિટલ લાયસન્સનો ઉપયોગ કરવો જોઈએ. ખુદ રાજ્ય સરકારના મંત્રી સ્વીકારી ચુક્યા છે કે, રાજ્યમાં ચિપનો અભાવ છે. પરંતુ ઝડપથી લોકોને લાયસન્સ મળી જશે તેવા સરકારના પ્રયાસ છે. એક મહિના જેટલા સમયથી લાયસન્સની કામગીરી અટકી જતા અરજદારની મુશ્કેલીમાં વધારો થયો છે. અનેક લોકોના બેંક અને ઈન્સ્યોરન્સના કામ લાયસન્સના અભાવે અટકી ગયા છે. ત્યારે જલ્દી જ લાયસન્સની અટકેલી કામગીરી શરૂ કરામાં આવે તેવી લોકોની માંગ છે.