Site icon Revoi.in

વોલેટ એપ. બંધ થતાં તેના કર્મચારીએ 57 ગ્રાહકોના 17.85 લાખ સેરવી લીધા

Social Share

અમદાવાદઃ શહેરમાં એક ખાનગી કંપનીની વોલેટ એપ્લિકેશન RBIએ બંધ કરાવી દેતા ગ્રાહકોના વેલેટમાં પડેલા રૂપિયા તેના જ કર્મચારીએ વાપરી નાંખતા આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખાનગી કંપનીનું વોલેટ બંધ થતાં કંપની દ્વારા વોલેટમાં જે પણ ગ્રાહકોના પૈસા પડયા હતા તે પાછા આપવા માટે પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાનમાં કંપનીના એક કર્મચારીએ 57 ગ્રાહકોને પાછા આપવાના થતા વોલેટના રૂ.17.85 લાખ ગ્રાહકોને પાછા નહીં આપી વાપરી નાખ્યા હતા. ભાંડો ફૂટી જતા કર્મચારી વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સરખેજ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના હેબતપુરમાં રહેતા દુર્ગેશકુમાર સિંઘ( ઉ.વ.44) એસજી હાઈવે ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીએ ગુગલ-પે અને ફોન-પે જેવી એક વોલેટ એપ્લિકેશન શરૂ કરી હતી. જો કે તે એપ્લિકેશન આરબીઆઈ એ 2019 માં બંધ કરાવી દીધી હતી. જો કે કંપનીના વોલેટમાં જે પણ ગ્રાહકોના પૈસા પડયા હતા. તે પૈસા પાછા આપવા માટે આ કંપનીએ એક બીજી કંપની બનાવી હતી. જેમાં ફઝલુદ્દીન નઝમુદ્દીન સૈયદ(બાગે તાહીર સોસાયટી, વેજલપુર) ને નોકરી પર રાખવામાં આવ્યા હતા. કંપની દ્વારા બધા જે પણ ગ્રાહકોના વોલેટમાં પૈસા પડયા હતા. તે તમામના પૈસા પાછા આપવા માટે રકમ સાથેની યાદી ફઝલુદ્દીન સૈયદને આપવામાં આવી હતી, પરંતુ ફઝલુદ્દીન સૈયદે 2019 થી 2024 સુધીમાં 57 ગ્રાહકોને ચૂકવવા માટે કંપનીમાંથી રૂ.17.85 લાખ મેળવી લીધા હતા. પરંતુ તે પૈસા 57 ગ્રાહકોના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અને સગા સબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને જરૂરિયાત પ્રમાણે ઉપાડીને વાપરી કાઢયા હતા. જે 57 ગ્રાહકોને પૈસા પાછા મળ્યા ન હતા. તેમણે કંપનીમાં ફરિયાદ કરતા તપાસ કરવામાં આવતા ભાંડો ફુટયો હતો.

આથી આ અંગે દુર્ગેશકુમાર સિંઘે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફઝલુદ્દીન સૈયદ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. દરમિયાનમાં પોલીસે આરોપી ફઝલુદ્દિન સૈયદની ધરપકડ કરી હતી. સરખેજ પી.આઈ. આર. કે. ધૂળિયાએ જણાવ્યું હતું કે, ફઝલુદ્દિન સૈયદની ધરપકડ કર્યા બાદ તેણે કંપનીમાંથી ઉચાપત કરેલા રૂ. 17.85 લાખ ક્યાં વાપર્યા તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘણા બધા લોકોના પૈસા તેણે સગાં-સંબંધીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેથી તે તમામ સગાં-સબંધી, મિત્રો તેમજ જે પણ એકાઉન્ટમાં ફઝલુદ્દિન સૈયદે પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે તમામ લોકોની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. તેમને પૂછપરછ માટે બોલાવાશે.