ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના નિવૃત શિક્ષકોના સ્થાને પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માગ
અમદાવાદઃ રાજ્યની પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. તેમજ ઘણાબધા શિક્ષકો વય માર્યાદાને કારણે સેવા નિવૃત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ પર તેની અસર પડી રહી છે. નિવૃત થતાં શિક્ષકોની જગ્યા પર પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા શાળા સંચાલકોએ માગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શાળાઓમાં તા.31 મેથી 31 ઓક્ટોબર દરમિયાન ઘણાબધા શિક્ષકો નિવૃત થઇ ગયા હોય તેના સ્થાને તત્કાલ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી છે. હાલ ચૂંટણીની આચારસંહિતા ભલે લાગુ હોય પણ પ્રવાસી શિક્ષક ન ફાળવી શકાય તેવું મંડળ માનતું નથી. જરૂર પડે તો ચૂંટણીપંચની મંજુરી મેળવીને પણ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્કૂલ ઓફ કમિશનરને પત્ર લખી માગણી કરી છે કે, મેમાં નિવૃત્ત થયેલા શિક્ષકો અને આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ઘોરણે પ્રવાસી શિક્ષકો ફાળવવાની મંજૂરી આપવી જોઈએ. દિવાળી વેકેશન બાદ સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી હોવાથી બાળકોના શિક્ષણના હિતમાં વિભાગે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ.
શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારે આખું વર્ષ પ્રવાસી શિક્ષકો આપવાની બાંહેધરી આપી હતી. હવે શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે 31 ઓક્ટોબર અને 31 મેએ શિક્ષકો નિવૃત્ત થાય છે ત્યારે આ વર્ષે પણ રાજ્યમાંથી શિક્ષકો નિવૃત્ત થયા છે. ખાસ તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષાના શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવી જરૂરી છે. ઉપરાંત ચૂંટણીની આચારસંહિતા પ્રમાણે પ્રવાસી શિક્ષક ન ફાળવી શકાય તેવું મંડળ માનતું નથી અને મંડળના ધ્યાને પણ નથી. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયના 31 ઓક્ટોબરે નિવૃત્ત થયેલા શિક્ષકોની પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. (File photo)