નવી દિલ્હીઃ લેબનોને શનિવારે ઇઝરાયેલ સામે બદલો લેવા માટે હુમલા કર્યાં હોવાનું જાણવા મળે છે. ઇઝરાયેલના અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ લેબનોનથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મધ્ય ઇઝરાયેલના શહેર સીઝેરિયામાં એક ઘર પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાનું નિશાન વડાપ્રધાન નેતન્યાહૂનું ઘર હતું. જોકે, નેતન્યાહુનું ઘર સુરક્ષિત છે.
ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે, લેબનોનમાંથી ત્રણ ડ્રોન છોડવામાં આવ્યા હતા અને તેમાંથી એકે મધ્ય ઇઝરાયેલી શહેર સીઝેરિયામાં એક ઘરને નિશાન બનાવ્યું હતું. આ ડ્રોન જ્યાં પડ્યું તે બિલ્ડિંગને નુકસાન થયું છે, પરંતુ આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, સીઝરિયા વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લેબનોનથી આ વિમાન દ્વારા કરવામાં આવેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયર્ન ડોમ આ ડ્રોનને રોકવામાં અસમર્થ સાબિત થયા છે. ઈઝરાયેલના મીડિયાએ પણ આના પર સવાલો ઉઠાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડ્રોન સરળતાથી ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન સેનાના હેલિકોપ્ટરની બાજુમાંથી નીકળ્યું હતું.
ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, ત્રણ ડ્રોન લેબનોનથી હાઇફા તરફ આગળ વધ્યા હતા, જેમાંથી માત્ર બેને શોધી શકાયા અને રોકી શકાયા હતા. આ દરમિયાન ત્રીજું ડ્રોન સીઝેરિયામાં એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટ ખૂબ જ મોટો હતો. અહેવાલ અનુસાર, ડ્રોન લેબનોનથી લગભગ 70 કિલોમીટરના અંતરે ઉડ્યું અને સીઝેરિયામાં એક બિલ્ડિંગને સીધું અથડાયું, જેની શ્રાપનેલ બાજુની બિલ્ડિંગ સુધી પહોંચી હતી.