અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા કિડની ઈન્સ્ટિટ્યુટમાં વોર્ડ શરૂ કરાયાં
અમદાવાદ : શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે. મંગળવારથી નવી કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે. કોરોનાના કેસો વધતા આખરે મંજુ મિલ ખાતે તૈયાર થઈ રહેલી નવી કિડની હોસ્પિટલ શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ લગભગ કોરોનાના દર્દીઓથી ફૂલ થતા આખરે નવી કિડની હોસ્પિટલમાં 510 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
શહેરની સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસ વધતા જતા દર્દીઓ માટે હવે અલગ વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે. જરૂરિયાત મુજબ કોરોનાના દર્દીઓને સારવાર માટે નવી કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે કિડની વિભાગ દ્વારા અંતિમ ઘડીની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરાઈ છે. નવી કિડની હોસ્પિટલનું મુહૂર્ત થાય એ પહેલાં જ કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવાની સ્થિતિ પેદા થઈ છે. 800 બેડની નવી કિડની હોસ્પિટલમાં 510 બેડમાંથી 56 ICU ના બેડ પર દર્દીઓને સારવાર મળી રહેશે.
હાલ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં 169 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. 169 બેડ કિડની હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવતા કિડનીના દર્દીઓ માટે સમસ્યા ઉભી થઇ છે. કેટલાક ઓપરેશન સહિતના કિસ્સાઓમાં દર્દીઓને નવી તારીખ આપવાની ફરજ પડી છે. અંતે નવી તૈયાર થઈ રહેલી કિડની હોસ્પિટલના 510 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવતા હાલ ચાલી રહેલી કિડની હોસ્પિટલમાં કિડની સંદર્ભે જરૂરી સારવાર રાબેતા મુજબ થઈ શકશે.