Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. AMCને ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં નિકોલમાં કોહિનૂર બિઝનેસ હબને ‘સીલ’ કરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ 478 એકમનું ચેકિંગ કરીને 247 એકમોને નોટિસ અપાઈ છે અને રૂ. 10.92 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે, જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશનની મિલકતો અને સ્કૂલો તેમજ શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જાહેર રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 16 દિવસમાં પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. વરસાદી સીઝન દરમિયાન પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાથી પાણીજન્ય રોગોમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. વરસાદી સીઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરાયો છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા એકમોને રૂ.5,000 થી લઈ 60 હજારનો દંડ ફટકારાયો છે. ઉપરાંત રહેણાંક વિસ્તારો જેવા કે ફ્લેટ- સોસાયટી અને ચાલીમાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં 609 સોસાયટી અને ચાલીઓને આવરી લેવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા 116 સ્કૂલોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા સઘન ચેકિંગ કરાવામાં આવશે.