અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ગરમીનું પ્રમાણ વધવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના 1216 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના છ શંકાસ્પદ કેસમાંથી ત્રણ દર્દીઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તદુપરાંત હીમોફીલિયાના કુલ 14 કેસ નોંધાયા હતા. જેમાંથી 12 મોટી ઉંમરના અને બે બાળ દર્દીઓમાં હીમોફીલિયાના કેસ નોંધાયા હતા. ગત એક સપ્તાહ દરમિયાન વાયરલ હિપેટાઇટિસના પણ 6 કેસ નોંધાયા હતા. ઝાડા-ઊલટીના 21 કેસ નોંધાયા હતા, ટાઇફોડના કેસમાં એકાએક વધારો થઇને એક સપ્તાહ દરમિયાન કુલ 44 કેસ નોંધાયા હતા.
અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોવાથી મચ્છરજન્ય રોગ ઉપર તો ઘટાડો આવ્યો છે, પરંતુ પાણીજન્ય રોગમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. સાથે જ સ્વાઇન ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના કેસ સામાન્ય દિવસો કરતાં વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું હોવાથી ગરમીનો અહેસાસ થોડા અંશે ઓછો થઈ રહ્યો છે, પરંતુ ગત સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધવાથી ડિહાઇડ્રેશનથી બચવા લોકો શરબત, સિકંજી અથવા ઠંડાં પીણાનું સેવન વધુ પ્રમાણમાં કરતા હતા. તેના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો છે. કેટલીક વખત કોઈ દર્દીના શરીરને માફક ન આવે તેવા પ્રકારની પ્રવાહી અથવા પાણી શરીરમાં પ્રવેશતા આઈફૂડ કોલેરા અથવા ઝાડા-ઊલટી જેવી બીમારીથી પીડાવવાનો વારો આવતો હોય છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી કોલેરા અને ટાઇફોડના કેસ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી.