Site icon Revoi.in

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં ભર શિયાળે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરાના વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષના ઝાડા ઊલટીના કેસો સામે આ વખતે વધુ કેસો નોંધાયા છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં 14 દિવસમાં ઝાડા ઊલટીના 139  કેસ, જ્યારે ટાઇફોઇડના 104 જેટલાં કેસો નોંધાયા છે. મ્યુનિના હેલ્થ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

એએમસીના હેલ્થ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જોકે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં ઘટાડો થયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 17, મેલેરિયાના 8, ઝેરી મેલેરિયાના 04 કેસ નોંધાયા છે. જ્યાં પણ પાણીજન્ય કેસ સામે આવે છે, ત્યાં પાણીની લાઈનો તપાસ કરવાની અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન 1,714 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 08 સેમ્પલ અનફિટ આવ્યા છે.

રાજ્યના અમદાવાદ સહિત મહાનગરોમાં વાયરલના કેસોમાં પણ વધારો થયો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ ઋતુજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીની ઋતુએ જોર પકડ્યું છે એવામાં આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી છે. મહાનગરો અને જિલ્લાઓમાં બેકાબૂ થતાં રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.. ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી અને મેડિકલ કોલેજને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.  જેમાં કહેવામાં આવ્યું છેકે, સીઝનલ ફ્લૂ રોગના ફેલાવા અંગે ઝીણવટ ભરી તકેદારી રાખવી. જિલ્લાના આરોગ્ય તંત્રને રોગચાળાને પહોંચી વળવા સતર્ક રહેવાની સૂચના આપવી. દર્દીઓનું એ,બી અને સી કેટેગરી મુજબ વર્ગીકરણ કરવું. જરૂરિયાત મુજબ દર્દીઓના સેમ્પલ તપાસ અર્થે મોકલવા. દવાઓ અને મેડિકલ સામગ્રીનો પર્યાપ્ત જથ્થો રાખવો. ICUના સ્ટાફને વેન્ટીલરી અને ક્રિટિકલ કેરની તાલીમ આપવા સુચના આપવામાં આવી છે.