Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ ઉપર પાણીની બોટલ-રાઈસ પ્લેટનો ભાવ આસમાને

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ લોકોમાં તાલિબાનો ભય ફેલાયો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ દોડી રહ્યાં છે. લાખોની સંખ્યામાં કાબુલ એરપોર્ટ ઉપર લોકો દેશ છોડવા માટે ઉભા રહ્યાં છે. બીજી તરફ પાણી અને ભોજનની પુરતી વ્યવસ્થા નહીં હોવાથી તેમની મુશ્કેલીઓ વધી છે. એરપોર્ટ ઉપર લોકો પાસેથી પાણીની બોટલના રૂ. 3000 અને રાઈસ પ્લેટના રૂ. 7500 વસુલવામાં આવે છે. એટલું જ નહીં દુકાનદાર આ રકમ અફગાની ચલણમાં નહીં પરંતુ ડોલરમાં માંગતા હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે. જો કે, કાબુલ એરપોર્ટ ઉપર નાણાના અભાવે ભૂખ્યા અને તરસ્યા ઉભેલા લોકોની મદદે વિદેશી લશ્કરના જવાનો આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાબુલ એરપોર્ટ ઉપર લોકો પાસેથી પાણીની બોટલના 40 ડોલર અને રાઈસ પ્લેટના 100 ડોલર વસુલવામાં આવે છે. અફગાનિસ્તાનમાં તાબિલાનીઓના ત્રાસથી લાખો લોકો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા કાબુલ એરપોર્ટ ઉપર ઉભા છે. બીજી તરફ તાલુબાનીઓ દ્વારા લોકોની મદદ કરવાને બદલે તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું મનાઈ રહ્યું છે.  ખાવા-પીવાની વસ્તુઓની આટલી ઉંચી કિંમતના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. જો કે,  નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનના મદદગાર બનીને ઉભરી રહ્યા છે. તેઓ એરપોર્ટ પર અસ્થાયી ઘર બનાવીને રહેતા લોકોને ભોજન અને પાણી આપી રહ્યા છે. તે સિવાય અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ વહેંચતા પણ દેખાઈ રહ્યા છે. અફઘાની બાળકોને વિદેશીઓનો આ વ્યવહાર ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમેરિકી સૈનિકોને સલામ પણ કરી રહ્યા છે.