અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની જોઈએ તેવી આવક થઈ ન હોવાથી સરકારે પણ પાણીની સમસ્યા ના સર્જાય તે માટે અત્યારથી જ કવાયત તેજ બનાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ના સર્જાય તે માટે પાતાળ કુવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 જેટલા પાતાળ કુવા બનાવવામાં આવ્યાં છે. જ્યારે અન્ય કુવાનું ટુંક સમયમાં જ નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધી સિઝનનો 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. મોટાભાગના જળાશયોમાં પણ તળિયા દેખાવા લાગ્યાં છે. જેથી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ના સર્જાય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા પાણી પુરવઠા યાંત્રિક વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર આર.ડી. મલોત્રાએ જણાવ્યું હતું કે, પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પાણીની તંગી સામે પાતાળ કુવા નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 49 જેટલા પાતાળ કુવા બનાવી પીવાના પાણીની તંગી ઊભી ન થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીના તળ ઊંડા જતાં પાંચ પાતાળકૂવા નિષ્ફળ રહ્યા હતા. જ્યારે 49 પૈકી 23 પાતાળકૂવાનું નિર્માણ થઈ ગયું છે. જેથી આગામી સમયમાં પીવાના પાણી માટે પાતાળ કૂવાના પાણી થકી વ્યવસ્થા કરી શકાશે.
આ વર્ષે વરસાદ નહિવત થતાં સીપુ ડેમ સદંતર ખાલીખમ છે. જેના કારણે આ ડેમ આધારીત પીવાનું પાણી મેળવતા સૌથી વધુ ગામડાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઇ છે. આ ગામડાઓમાં પીવાનું પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમથી સીપુ યોજના હેડવર્કસ સુધી 24 કરોડના ખર્ચે માત્ર એક માસના ટૂંકા ગાળામાં જ નવી પાઇપ લાઇન નાખવામાં આવશે. જેથી કટોકટીના સમયમાં દાંતીવાડા ડેમનું પાણી સીપુ હેડવર્ક સુધી પહોંચાડી લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડી શકાશે.
જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં પીવાના પાણી માટે નર્મદાની કેનાલ છે. પરંતુ દાંતીવાડા ડીસા ધાનેરા લાખણી પાલનપુર દાંતા અને અમીરગઢ તાલુકામાં પીવાના પાણી માટે લોકોની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. પીવાના પાણીના ટેન્કરથી લઈ પાતાળકૂવા તેમજ એક ડેમમાંથી બીજા ડેમ સુધી પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે તે માટે પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં લોકો પીવાના પાણીમાં મુશ્કેલી ન પડે.
રાજ્યમાં 15 વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે જુના વાહનોને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે. આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે.